મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં એક પછી એક ત્રણ ખુન કરનારને આખરે ગાંધીનગર પોલીસે શોધી અને ઓળખી કાઢ્યો છે. જો કે કિલરના ઘર સુધી પહોંચેલી પોલીસે હત્યા વખતે કિલર જે સ્કૂટરનો ઉપયોગ કરતો હતો તે કબજે લીધુ છે, પણ હત્યારો પોતાના ઘરે ઘણા દિવસથી આવ્યો નથી તેના કારણે તેના ઘર ઉપર પોલીસ જાપ્તો મુકી દેવામાં આવ્યો છે.

ઓક્ટોબર મહિનાથી ગાંધીનગરમાં શરૂ થયેલી એક પછી એક હત્યાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગરના ડીએસપી મયુર ચાવડા દ્વારા એક ખાસ તપાસ દળની રચના કરવામાં આવી હતી. આ હત્યારાને ઓળખવા અને શોધવા માટે  60 કરતા વધુ ટીમો કામ કરી રહી હતી. સંભવીત તમામ સ્થળે વોચ ગોઠવી હતી અને હત્યા સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં એક શંકાસ્પદ વ્યકિત જોવા મળી હતી. અડાલજના મોમાઈ ટી સ્ટોલ ઉપર મળેલા સીસીટીવી ફુટેજના આધારે હત્યારો રાની નામનો વ્યંઢળ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે તેના ફોટોગ્રાફ પણ જાહેર કરી દીધા હતા.

આમ છતાં પોલીસને તેની કોઈ ભાળ મળતી ન્હોતી. દરમિયાન પોલીસે એક વ્યક્તિએ ફોન કરી જાણકારી આપી હતી કે ગાંધીનગરના વાવોલમાં આવેલા એક ફ્લેટના પાર્કિગમાં પ્લાસ્ટીકથી ઢાકેલુ એક એક્ટિવા પડ્યુ છે. આ માહિતીને આધારે ગાંધીનગર સેકટર-7 પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. પોલીસ જે સ્કૂટરને શોધી રહી હતી તે મળી આવ્યુ હતું. પોલીસે તપાસ કરતા ફ્લેટમાં રહેતી એક વ્યક્તિનું હોવાનં બહાર આવ્યુ હતું. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા ફ્લેટમાં એક વૃધ્ધા અને તેમનો દિકરો રહે છે, જયારે આ સ્કૂટર જેનું છે તે પુત્ર લાંબા સમયથી લાપત્તા છે. લાપત્તા પુત્રએ થોડા વર્ષો પહેલા લોકો સાથે છેંતરપીડી કરી પાંચ કરોડનુ ફુલેકુ ફેરવ્યુ હતું ત્યાર બાદ તે લાપત્તા થઈ ગયો હતો.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે ત્યાર બાદ તે વ્યંઢળો સાથે ફરવા લાગ્યો હતો, જે તાજેતરમાં પોતાની માતાની પાસે આવ્યો હતો. પરંતુ ગાંધીનગર પોલીસે તેના ફોટોગ્રાફ અને સ્કેચ જાહેર કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે. પોલીસે તેના ઘરે જાપ્તો ગોઠવી તેને શોધવાની પ્રક્રિયા વધારી દીધી છે.