મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલ: આગ જાણે ગોંડલનો પીછો ન છોડતી હોય તેમ એકાંતરે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં આવેલ રઘુવીર ઈન્ડસ્ટ્રીઝમાં મગફળીના ગોડાઉનમાં શોટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાયટરોએ દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક જ સપ્તાહમાં ગોંડલમાં આગના ત્રણ બનાવો બનવા પામ્યા હતા. પ્રથમ બનાવમાં માર્કેટિંગ યાર્ડમાં સુકા મરચાનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જ્યારે બીજો બનાવ એલ.ડી.ઓ. પંપ પાસે આગ લાગતા ટેન્કર અને પંપ બળીને ખાખ થયા હતા. જ્યારે આજે સવારના સુમારે જામવાડી જીઆઇડીસીમાં આવેલ રઘુવીર ઈન્ડસ્ટ્રીઝમાં મગફળીના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા મગફળીનો જથ્થો સળગવા લાગ્યો હતો.

ઘટનાની જાણ ફેક્ટરીના માલિકોને થતા તુરંત જ પાલિકાના ફાયર ફાયટર્સને જાણ કરાતા ફાઈટર્સએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સદ્નસીબે કોઈ જાનહાની કે મોટી નુકસાની થવા પામી ન હતી તેવું ફેક્ટરીના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.