મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: ઉપલેટાથી ૩૦ કિમીના અંતરે આવેલા પ્રાંસલા ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય શિબિરના અંતિમ દિવસે રાત્રીના અચાનક આગ લાગતા ત્રણ વિદ્યાર્થીનીઓ દાઝી જતા મોત થયા હતા તેમજ અન્ય બે ને ઈજાઓ પહોંચી હોઈ જે દુર્ઘટનામાં મોરબીની વિદ્યાર્થીની પણ ભોગ બની હોઈ અને આ સમગ્ર ઘટના સગી આંખે નિહાળનાર વિદ્યાર્થીનીએ આગના બનાવ અંગે કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.

 

પ્રાંસલા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં ભાગ લેવા માટે મોરબીની દોશી હાઈસ્કૂલ, યોગી વિદ્યાલય, સમજુબા વિદ્યાલય અને જ્ઞાનપથ સ્કૂલના વિદ્યાર્થીઓ ગયા હતા. ગત તા. ૦૫ થી કાર્યરત શિબિરની શુક્રવારે રાત્રે પુર્ણાહૂતી થઇ હતી. જોકે, રાત્રીના સમયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સૂવા માટે પહોંચ્યા હતા જ્યાં આગ ભભૂકી ઉઠતા મોરબીની સમજુબા વિદ્યાલયની ગોધવિયા ખુશી ધોરણ ૯ અને દવે કૃપાલી ધોરણ ૯માં અભ્યાસ કરતી બંને વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ હતી. જેમાં દવે કૃપાણીનું મોત થયું હતું જયારે ખુશી ગોધવીયાને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાંસલા ખાતેની શિબિરમાં લાગેલી આગ સમયે સ્થળ પર ઉપસ્થિત અને સમગ્ર દ્રશ્યને પોતાની આંખે નિહાળનાર વિદ્યાર્થીની કૃપા સોલંકી જણાવે છે કે રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સૂવા માટે ગયા હતા, ત્યારે સુરતની ૨ છોકરીઓએ રોશની માટેના લેમ્પ કાઢીને ત્યાં મોબાઈલ ચાર્જ કરવા મૂક્યા હતા જેથી શોટ સર્કીટ થતા આગ લાગી હતી. જોકે, મૃતક કૃપાલી સૂઈ ગઈ હોઈ જેને બહાર કાઢવામાં આવી હતી પરંતુ તેનો સામાન અંદર રહી ગયો હોવાથી તે પરત લેવા સમયે તે આગની ઝપેટમાં આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. અને આ ઘટનાથી તમામ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા તો ઘટનાને સગી આંખે નીહાળનાર વિદ્યાર્થીનીએ આયોજકો પર પણ આરોપ લગાવ્યા હતા ને આગ લાગ્યા બાદ સમયસર કાર્યવાહી ન કરતા આ વિદ્યાર્થીનીઓનો ભોગ લેવાયો હોવાનું પણ જણાવ્યું હતું.