મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં દેશના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ હવે ભગવાન ગૌતમ બુદ્ધની ૮૦ ફૂટની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. ગાંધીનગર શહેરની નજીક સાબરમતી નદીના કિનારે ભગવાન ગૌતમ બુદ્ધની ૮૦ ફૂટની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસનું નિર્માણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે.

નર્મદા ડેમ પાસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ સાથે રાજ્ય સરકારે ગાંધીનગરની નજીક સાબરમતી નદીના કિનારે પાંચ એકર જમીન સ્ટેચ્યૂ ઓફ પીસના નિર્માણ માટે ફાળવી દીધી છે. ભગવાન બુદ્ધની વય ૮૦ વર્ષની હોવાથી તેમની પ્રતિમાની ઊંચાઈ પણ ૮૦ ફૂટની રાખવાનું નક્કી કરાયું છે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ પીસની ડિઝાઈન બનાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેથી અમદાવાદીઓને મહુડી જતા રસ્તામાં જ ઈન્દ્રોડા પાર્કમાં સિંહ બેલડી અને અક્ષરધામની સાથે સ્ટેચ્યૂ ઓફ પીસના દર્શન કરવાનો લ્હાવો પણ મળશે.

જેમાં આગામી વર્ષ ૨૦૧૯માં દલાઈ લામા ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડનગરમાં બુદ્ધના અવશેષો છે. ત્યારે ૨૫ નવેમ્બરે ગુજરાત રાજ્યમાં બુદ્ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઈટાલી, મલેશિયા, શ્રીલંકા, બેંગકોક, થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકાથી મહેમાનો આવશે. ગુજરાત રાજ્યમાં સ્થાપત્ય કળાથી સમૃદ્ધ બુદ્ધ વારસો અને પ્રાચીન અવશેષો છે.

આથી ગાંધીનગરમાં ભગવાન બુદ્ધની પ્રતિમા અને સ્મારક બનવાથી લોકો પણ તેનાથી મહિતગાર થશે. અત્યારે જુનાગઢએ ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોકની નગરી કહેવાય છે. વડનગરમાં પણ દેવની મોરી ખાતે ભગવાન બુદ્ધના અનેક પ્રાચીન અવશેષો જોવા મળ્યા છે.