મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પુરવઠા તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતી સામે લાલ આંખ કરીને તંત્ર દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગેસ એજન્સીમાં દરોડા દરમિયાન ગેસ સીલીન્ડર અન્ય સ્થળેથી મળી આવ્યા હતા અને રજીસ્ટર સહિતના કામકાજમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાનું પુરવઠા તંત્ર પ્રથમ વખત જાગ્યું હોય અને ખંભાલીયા નજીક ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં લાલપુર રોડ પર ભારત ગેસની એજન્સી ધરાવતા કે.કે. ભારત ગેસ ગ્રામીણ વિતરક નામની પેઢી પર ગઈકાલે દરોડા કરવામાં આવ્યા હતા. જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા એજન્સીની ઓફીસ ખાતે દરોડા કરવામાં આવ્યા હતા અને ગોડાઉન સહિતના સ્થળે ચેકિંગ હાથ ધરતા પુરવઠા તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું. કારણકે ૨૦ જેટલા ગેસ સીલીન્ડર ગોડાઉનના બદલે અન્ય સ્થળેથી મળી આવ્યા હતા. જેને પગલે પુરવઠા ટીમે ઓફીસના રજીસ્ટર પણ ચેક કર્યા હતા. જેમાં જરૂરી એન્ટ્રી ના હોવાનું માલૂમ પડ્યું હતું. ઉપરાંત ગેસના સીલીન્ડરને ગોડાઉનમાંથી સપ્લાય કરવાના બદલે મંજુરી વગર સીલીન્ડરની લે વેચ કરવામાં આવતી હતી. જેથી પુરવઠા વિભાગે આ ગેરરીતીને પગલે બીલ બૂક, રજીસ્ટર, હિસાબી સાહિત્ય કબજે લીધું હતું અને ૨.૮૫ લાખની કિંમતના ૪૦૧ ગેસ સીલીન્ડરનો જથ્થો પણ સીઝ કર્યો હતો. પુરવઠા વિભાગની ટીમે ગોડાઉનને સીલ કરી દીધું છે તેમજ એજન્સીના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને વધુ તપાસમાં હજુ પણ એજન્સીના કેટલાક ગોટાળા ધ્યાન પર આવી શકે છે તેવી માહિતી પણ સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.