મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: ગુજરાતની દારૂબંધી માત્ર નામ પુરતી જ નહીં પરંતુ હાસ્યાસ્પદ પણ સાબિત થતી હોય છે. દારૂના દુષણથી કોઈ બાકાત રહ્યું નથી તો કાયદાના રક્ષક જેના શિરે દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી છે તે પણ નશામાં ધૂત જોવા મળતા હોય તો પછી ગુજરાત રામ ભરોસે છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ ના કહેવાય. કારણકે ધ્રાંગધ્રા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો.

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલ નશાની  હાલતમાં હોય જેને ઇન્ચાર્જ સીટી પી.આઈ. એન.કે. વ્યાસે નશાની હાલતમાં ઝડપી લીધો હતો. બે દિવસ પૂર્વે આ કોન્સ્ટેબલ પોલીસ કમ્પાઉન્ડમાં જ સીટી પીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. આ બાબતની ગંભીર નોંધ લઈને સીટી પીઆઈ એન. કે. વ્યાસે કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસકર્મીઓને શિસ્તના પાઠ ભણાવવા માટે પીઆઈ વ્યાસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સામે ખાતાકીય પગલા લેવા માટે જીલ્લા એસપી દીપકકુમાર મેઘાણીને કરેલા રીપોર્ટને પગલે એસપીએ પણ આ મામલે ગંભીરતા દાખવીને પીધેલી હાલતમાં ઝડપાયેલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આમ પોલીસ જ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સીટી પીઆઈ અને એસપી દ્વારા કડક પગલા ભરીને દાખલો બેસાડવામાં આવ્યો છે.