પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-74): સવારે બંદી ખુલતા પાવડો અને ત્રિકમ લઈ જઈ રહેલા અબુ અને રીયાઝને રોકતા મહંમદે કહ્યું ભાઈ આજ કામ નહીં કરના, અબુ અને રીયાઝ તેની સામે જોવા લાગ્યા, મહંમદે પહેલા વોર્ડના દરવાજા તરફ જોયું અને કહ્યું મુઝે લગતા બહાર સે ચેકીંગ આને વાલા હૈ, આજ હમ કામ નહીં કરેગે, હજી અબુ-રીયાઝ પાવડો-ત્રિકમ લઈ ઊભા હતા. યુનુસે તેમની સામે જોતા કહ્યું રીયાઝ આજ કામ નહીં કરના હૈ, મહંમદને બોલ દિયા તો કામ નહીં કરના હૈ, અબુ અને રીયાઝે પાવડો-ત્રિકમ લીમડાના ઝાડ નીચે મુકયા અને તેઓ વોર્ડન સાથે ગપ્પા મારવા દરવાજા તરફ ગયા, આમ તો મહંમદે જ્યારે પણ પોતાના સાથીઓને કામ બંધ રાખવાનું કહ્યું ત્યારે મનમાંથી તો હાશ નિકળી જતી હતી, પણ સાથે-સાથે જલદી કામ થઈ જાય તો જલદી નિકળી જઈએ તેવી મનમાં ઉતાવળ પણ થતી હતી. મહંમદ અને યુનુસ એકલા ઊભા હતા, યુનુસે પોતાની શંકાના સમાધાન માટે પુછ્યું કેમ મેજર તમને એવું લાગી રહ્યું છે કે ચેકીંગ આવી રહ્યું છે, મહંમદે વિચાર કરી પોતાના મનમાં રહેલી શંકા વ્યકત કરતા કહ્યું જો ગઈકાલે વસાવા સાહેબ ચેકીંગમાં આવ્યા હતા, સામાન્ય રીતે જ્યારે બહારની કોઈ એજન્સી ચેકીંગમાં આવવાની હોય છે, ત્યારે જેલવાળાને પહેલાથી ગમે ત્યાંથી ખબર પડી જાય છે. એટલે બહારની એજન્સી જેલમાંથી કઈ પણ પકડે તે પહેલા જેલવાળા ચેકીંગ કરે છે. મને લાગે છે કે વસાવા સાહેબ ચેકીંગમાં આવ્યા તેનો અર્થ બહારની કોઈ એજન્સી આજે આવવી જોઈએ. યુનુસ વિચાર લાગ્યો કે ખરેખર મહંમદનું મગજ પણ એક ક્રિમીનલ માણસ જેવું વિચારી રહ્યું છે.


 

 

 

 

 

મહંમદની શંકા પાછળ કેટલાક કારણો હતા, જેમાં સૌથી મહત્વનું જેલની હોસ્પિટલમાંથી ચોરાયેલો ડૉકટરનો ફોન હતો, જેલમાં કડક ચેકીંગ હોવા છતાં કેદીઓ જ્યારે પણ કોર્ટની મુદતમાં જાય ત્યારે મોબાઈલ ફોન લઈ આવતા હતા, જેલમાં જામર લાગેલા હતા, છતાં સાબરમતી જેલની ભુગોળ એવા પ્રકારની હતી કે જેલના કેટલાંક ખુણામાં જામરની અસર થતી ન્હોતી, અને ત્યાંથી ફોન ઉપર વાત થઈ શકતી હતી. જેલમાંથી અનેક વખત મોબાઈલ ફોન પણ પકડયા હતા, પણ જેલમાંથી કોઈ અધિકારીનો ફોન ચોરાયો હોય તેવી આ પહેલી ઘટના હતી. આ ઉપરાંત બ્લાસ્ટ કેસના આરોપીઓ છેલ્લાં કેટલાય દિવસથી કોર્ટમાં કોઈ ફરિયાદ કરી ન્હોતી અને જેલ અધિકારી સાથે ઝઘડો પણ કર્યો ન્હોતો. આ આરોપીનું એકદમ શાંત થઈ જવુ કોઈને પણ શંકા ઉપજાવે તેવું હતું, મહંમદને રહી રહી તેવો વિચાર આવ્યો હતો. મહંમદને ખબર હતી કે તેમની બેરેકમાં હવે બહુ ઓછું ચેકીંગ હોવા છતાં જેલવાળા તેમની સામે શંકાની નજરે જોતા હતા અને જેલમાં આવતા ઈન્ટેલીઝન્સ અધિકારીઓ પણ સતત બ્લાસ્ટ કેસના આરોપીઓ શું કરી રહ્યા છે તે અંગે જેલ અધિકારીને પુછતા હતા. મહંમદને લાગતું હતું કે તેનું મગજ ઘણુ બધુ વિચારી રહ્યું છે કદાચ તે આ વિચારોને કારણે પાગલ થઈ જશે, મહંમદ વિચાર કરી રહ્યો હતો, ત્યારે યુનુસે તેને ખભો પકડી એકદમ હલાવ્યો, મહંમદે વોર્ડના દરવાજા તરફ જોયું, અબુ અને રીયાઝ વોર્ડન સાથે વાત કરી રહ્યા હતા. તે એકમદ બેરેક તરફ આવી રહ્યા હતા, તેનો અર્થ કે દીવાલની પાછળથી કોઈ અધિકારી બેરેક તરફ આવી રહ્યા હતા, મહંમદ ઓટલા ઉપરથી ઊભો થઈ ગયો, મહંમદની ધારણા સાચી પડી, ગુજરાતની જેલોના આઈજીપી પોતે સ્કવોર્ડ સાથે જેલના ચેકીંગમાં આવ્યા હતા. તેમની સાથે જેલર પંડયા અને સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા પણ હતા, આઈજીપી સાથે હતા તેના કારણે જેલર પંડયાએ રૂઆબ જાડતા મહંમદને કહ્યું મહંમદ અહીં આવો.. કયાંયથી તારા બીજા માણસો બોલાવી લો, યુનુસ તરત બેરેક તરફ બોલાવવા ગયો મહંમદે આઈજીપીને નમસ્તે કર્યું અને હાથ જોડી લાઈનમાં ઊભો રહ્યો તેની બગલમાં અબુ અને રીયાઝ પણ આવી ઊભા રહ્યા,

આઈજીપીએ મહંમદને પગથી માથા સુધી જોયો, તેમની બાજુમાં વસાવા સાહેબ હતા, તેમણે આઈજીપી સાહેબના કાન પાસે મોંઢું લાવી, આંખથી મહંમદ તરફ ઈશારો કરતા એકદમ ધીમા અવાજે કહ્યું, સાહેબ આ જ હરામખોર મહંમદ છે, કોર્ટમાં આપણી સામે આ જ ફરિયાદો કર્યા કરે છે, વકિલ પણ છે, એટલે પોતાને કાયદે આજમ સમજે છે. આઈજીપીએ વસાવાની વાત સાંભળી હકારમાંથી માથુ હલાવ્યું, મહંમદને જોઈ રહેલી તેમની નજર બદલાઈ ગઈ, ત્યાં સુધીમાં તો બેરેકમાં રહેલા બધા જ બહાર આવી ગયા અને મહંમદની કતારમાં ઊભા  રહી ગયા, આઈજીપીએ મનમાં ગણતરી કરી આઠ જણા ઊભા હતા, છતાં તેમણે વસાવાને પુછ્યું અહીં કેટલા કેદીઓ રાખ્યા છે, વસાવાએ કહ્યું સર આઠ, આઈજીપીએ એક ચક્કર માર્યું અને આઠે-આઠને ધ્યાનથી જોયા, બધા લાઈનમાં પોતાના બંન્ને હાથ આગળ તરફ રાખી ઊભા હતા.


 

 

 

 

 

આઈજીપીએ જેલર પંડયા સામે જોયું અને બેરેક ચેક કરવાનો ઈશારો કર્યો. પંડયા તરત જી સર કહી બેરેક તરફ ગયા, તેમની સાથે ચાર જેલના પોલીસવાળા પણ ગયા, આઈજીપી લાઈનમાં ઊભા રહેલા આઠ કેદીઓની પાછળની તરફ જોઈ રહ્યા હતા, મહંમદને ખબર પડતી ન્હોતી કે આઈજીપી તેમની પાછળ શું જોઈ રહ્યા છે. કારણ તે પાછળ વળી જોઈ શકતો ન્હોતો, કેદીઓ લાઈનમાં ઊભા હોવાને કારણે આઈજીપી પોતાનું માથુ જમણી-ડાબી બાજુ ફેરવી જોઈ રહ્યા હતા કારણ તેમને જે જોવું હતું તેની વચ્ચે કેદીઓ આવી રહ્યા હતા. આઈજીપીએ વસાવાને ધીમા અવાજે પુછ્યું આ બગીચો આપણે બનાવી આપ્યો છે, વસાવાએ ધીમા અવાજે કહ્યું ના સર આ કેદીઓએ પોતે જ બનાવ્યો છે. આઈજીપીના ચહેરા ઉપર પ્રસન્નતા આવી, તેમનો રૂક્ષ ચહેરો બદલાઈ ગયો, તેમણે મહંમદ સામે જોતા પુછ્યું તમે બનાવ્યો છે.. મહંમદ સમજ્યો નહીં, વસાવાએ ફોડ પાડતા કહ્યું સાહેબ તમારા બગીચાની વાત કરે છે, મહંમદે એક ક્ષણ માટે પાછળ જોયું અને આઈજીપી સામે જોતા  કહ્યું જી સર અમે જ બનાવ્યો છે. આઈજીપીએ કહ્યું ગુડ.. ત્યારે જ જેલર પંડયા દોડતા બેરેકમાંથી આવ્યા, વસાવા અને આઈજીપીએ તેમની સામે જોયું તેમણે માથુ હલાવી ના પાડી, તેનો અર્થ બેરેકમાં કઈ વાંધાજનક મળ્યું નથી. આઈજીપીએ એકદમ કડક અવાજમાં મહંમદ અને તેના સાથીઓ સામે જોતા કહ્યું મારે જેલમાં કોઈ ગરબડ ન જોઈએ, અમારૂ કામ તમને કોર્ટના આદેશ પ્રમાણે રાખવાનું છે. તમારે જેલના નિયમ પાળવા જ પડશે. મહંમદે માથુ હલાવી હા પાડી, આઈજીપીએ મહંમદને પુછ્યું તમારી કોઈ ફરિયાદ છે, મહંમદે પહેલા વસાવા અને પછી પંડયા સામે જોયું, બંન્નેના જીવ તાળવે ચોટી ગયા, પણ મહંમદે કહ્યું ના સર કોઈ ફરિયાદ નથી, આઈજીપી ઉઘા ફર્યા અને તે પોતાના કાફલા સાથે બીજી બેરેકની તપાસ માટે રવાના થયા, કાફલો જતો રહ્યો હતો છતાં આઠે કતારમાં જ ઊભા હતા. યુનુસે પોતાનું માથુ આગળ કરી મહંમદ સામે જોયું અને પુછ્યું મેજર તમે જયોતિષ વિદ્યા જાણો છો.. મહંમદ હસ્યો, યુનુસે તમે જે પણ બોલો છે તેવું થાય.. મહંમદે કહ્યું જો આજે આપણે કામ ચાલુ રાખ્યું હોત તો શું થાત તેની કલ્પના કરો, જેલવાળા સાથે તો ઝઘડો કરી તેને રોકી લઈએ છીએ, પણ આઈજીપી આવી ગયા તો આપણે શું કરતા.. મહંમદ આ વાકય બોલ્યો ત્યારે મહંમદ અને યુનુસના શરિરમાંથી એક સાથે એક ધ્રુજારી પસાર થઈ ગઈ હતી.

(ક્રમશ:)

દીવાલ- ભાગ-73: મહંમદે ગણિત માંડ્યુ જો બધુ બરાબર ચાલે તો 15 દિવસમાં સુરંગ જેલની દીવાલની બહાર હશે