પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-66): મહંમદને લાગી રહ્યું હતું એક સાધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જે દિવસે જેલર કૌશીક પંડયા અચાનક રાઉન્ડ લેવા આવી પહોંચ્યા તેના બીજા દિવસે સવારે સુરંગમાં ઉતરી અબુ અને રીયાઝ કામ કરી રહ્યા હતા, હવે નવી વ્યવસ્થા પ્રમાણે જ્યારે બે સાથીઓ સુરંગમાં કામ કરતા હોય ત્યારે બે સાથીઓએ કોઈના કોઈ બહાને વોર્ડના દરવાજા પાસે વોર્ડન સાથે વાત કરતા બેસી રહેવાનું હતું, તેનું કારણ એવું હતું કે વોર્ડના દરવાજા ઉપર બે સાથીઓ બેઠા હોય તો દુરથી કોઈ અધિકારી તેમની બેરેક તરફ આવી રહ્યા હોય તેની જાણકારી મળે અને મહંમદની સૂચના પ્રમાણે કોઈ અધિકારી આવી પહોંચે તો કોઈને કોઈ કારણસર તે દરવાજા પાસે જ રોકાઈ જાય, તે માટે જેલમાં તેમને ઘણી તકલીફો છે તેવી સાચી ખોટી ફરિયાદ કરી જેલ અધિકારીને વોર્ડના દરવાજા ઉપર જ ગુંચવી નાખવાના હતા. તે દિવસે યુનુસ અને પરવેઝની ડયૂટી વોર્ડના દરવાજા ઉપર હતી જ્યારે મહંમદ, યુસુફ, ચાંદ અને દાનીશ વોર્ડમાં ઝાડ નીચે બેઠા હતા, જો કે મહંમદ વાત કરી રહ્યો હોવા છતાં તેનું ધ્યાન સતત આસપાસ ફરી રહ્યું હતું, ત્યારે જ તેનું ધ્યાન બેરેકની આડમાં ઊભા રહેલા અબુ તરફ ગયુ, અબુ સંતાઈ મહંમદનું ધ્યાન દોરવા માટે ઈશારો કરી રહ્યો હતો, તે આખો માટીવાળો હતો. તેના માથામાં પણ માટી હતી, અચાનક આ રીતે અબુને જોઈ મહંમદને આશ્ચર્ય થયું હતું, મહંમદની નજર જે તરફ ગઈ તેની સાથે યુસુફ અને ચાંદ-દાનીશની નજર પણ તે તરફ ગઈ, મહંમદે બાજુમાં બેઠેલા યુસુફના પગ ઉપર હાથ મુકી કહ્યું તમે અહીંયા જ બેસો હું, જોઈ લઉ શું થયું, મહંમદ એકદમ સહજતાથી ઊભો થયો. તેણે દરવાજા તરફ જોયું યુનુસનું ધ્યાન અંદર તરફ હોવાને કારણે તેને લાગ્યુ કે કઈક થયું છે પણ શું થયુ તેની ખબર પડી નહીં, પણ મહંમદ બેરેકની પાછળ તરફ કેમ જઈ રહ્યો છે તેવો પ્રશ્ન થયો, મહંમદે તેને આંખના ઈશારો કહ્યું પછી વાત કરી કરીએ. યુનુસે બેરેક તરફ આવી રહેલા બંન્ને તરફના રસ્તા ઉપર નજર કરી, સામાન્ય કેદીઓની અવરજવર સિવાય કોઈ ન્હોતુ.


 

 

 

 

 

મહંમદ આસપાસ જોતો જોતો બેરેકની પાછળ તરફ જવા લાગ્યો તેને ડર હતો કે ક્યાંક અબુ જે સ્થિતિમાં હતો તેને બીજુ કોઈ જોઈ જાય નહીં. તે બેરેકની આડમાં રહેલા અબુ પાસે ગયો, તે કઈ પુછે તે પહેલા અબુ કહ્યું મેજર સાહબ ગરબડ હો ગયા, મહંમદે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયુ, અબુ સામે જોયુ અબુ કહ્યું મેજર અબ ઉપર સે મીટી ગીરને લગી હૈ, તેમ કહી તેણે પોતાના માથા ઉપર પડેલી માટી બતાડતા કહ્યું, મહંમદે વિચાર કરીને પુછ્યું બહુત જયાદા મીટીગીરી, અબુએ કહ્યું એક મીટી કા બડા સ્લેબ મેરે સર પર હી ગીરા ઈસીલીયે મેં જલદી બહાર આ ગયા, મહંમદને થયુ સારૂ થયુ અબુ બહાર આવી ગયો જો વધુ માટી પડી હોત તો કદાચ અબુ દટાઈ પણ ગયો હોત. મહંમદે એક વખત પાછળ જોયું અને પછી પુછ્યું રીયાઝ કહા હૈ, અબુ કહ્યું વહ તો બહાર હી ખડા હૈ,, મહંમદ તેની સાથે બેરેકની પાછળ તરફ ગયો રીયાઝ સુરંગના મોઢા પાસે બેઠો હતો, મહંમદે સુરંગના મોઢાની અંદર તરફ નજર કરી અંદરની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાંથી કઈ દેખાય તેવું ન્હોતુ, તેને ચિંતા થવા લાગી, તેણે કહ્યું એક કામ કરો અભી સે કામ બંધ કરદો મુઝે કુછ ઔર કરના હોગા, મહંમદે કહી તો દીધુ કો મુઝે કુછ ઔર કરના હોગા પણ શું કરવુ તેની તેને પોતાને જ પણ ખબર ન્હોતી.


 

 

 

 

 

તેણે અબુ અને રીયાઝને ન્હાઈ લેવાની સૂચના આપી, તે પાછો ઝાડ નીચે ઓટલા ઉપર આવી બેઠો, યુસુફે મહંમદનો ગંભીર ચહેરો જોઈ પુછ્યું શું થયું કોઈ ગરબડ છે, મહંમદે કહ્યું સુરંગમાંથી ઉપરની તરફથી માટી પડવા લાગી છે, દાનીશે પુછ્યું તો અબ કયા કરેંગે મેજર... પ્રશ્ન સાંભળી મહંમદને પણ ગુસ્સો આવ્યો તેને લાગ્યું કે બધી જ ચિંતા તેને કરવાની અને બધા જ પ્રશ્નનો હલ પણ તેને જ શોધવાના. મહંમદ વિચાર કરી રહ્યો હતો, ત્યારે વોર્ડન પાસે ઊભો રહેલો યુનુસ અંદર આવ્યો, તેણે જોયું તો મહંમદ ચિંતામાં હતો, તેણે યુસુફ સામે જોયું, એટલે જ તેણે વાત કરતા કહ્યું અબુ ખોદી રહ્યો હતો ત્યારે એકદમ ઉપરથી માટી પડવા લાગી, યુનુસને લાગ્યું કે મામલો તો ગંભીર છે, જો માટી પડવા લાગે તો કામ કરતી વખતે જ કોઈ દટાઈ જાય, તેણે એક મિનિટ સુધી વિચાર કર્યો અને પછી તેને કઈક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું મેજર મારી પાસે તેનો રસ્તો છે, આ વાકય સાંભળતા મહંમદ સહિત બધાએ યુનુસ સામે જોયું, મહંમદને લાગ્યું કે પહેલી વખત તેની મદદે કોઈ આવ્યું. યુનુસે બધાના ચહેરાના હાવભાવ જોઈ કહ્યું રસ્તો હમણાં મારી પાસે નથી, મને થોડો ટાઈમ આપો, એકાદ દિવસમાં હું કોઈક રસ્તો શોધી કાઢીશ. મહંમદ તેની સામે જોવા લાગ્યો, તેને લાગ્યું કે એકાદ દિવસમાં તો યુનુસ શું કરી શકે, તેણે આંખ મીચકારી મહંમદને કહ્યું મહંમદ તમે મેજર છો તો હું કેપ્ટન છું મારે પણ મારુ કામ કરવું પડશે મહંમદ હસ્યો અને કહ્યું ઠીક હૈ કેપ્ટન અબ આપ ટીમ કો લીડ કરો, આ વાત ચાલતી હતી ત્યારે વોર્ડને બુમ પાડી ચાલો. મહંમદે દરવાજા તરફ જોયું તો જેલ સીપાઈ તેમને લેવા માટે ઊભા હતા.

હવે તેમને કૌશલ્ય કેન્દ્રમાં જવાનો સમય થયો હતો, મહંમદે ધીમા અવાજે યુસુફને કહ્યું અબુ ઔર રીયાઝ કો બહાર બુલાલે, ત્યાર પછી બધા કૌશલ્ય કેન્દ્રમાં જવા માટે નિકળ્યા આજે સ્થિતિ જુદી હતી, રોજ મહંમદ બધી બાબતોનો વિચાર કરતો હતો, આજે તેની સાથે વિચારની પ્રક્રિયામાં યુનુસ પણ જોડાયો હતો. યુનુસ કલાસ રૂમાં બેઠો હતો પણ તેના વિચારો કઈ રીતે સુરંગમાં ઉપરથી પડી રહેલી માટીને રોકી શકાય તે દિશામાં ચાલી રહ્યા હતા, આ આઠ પૈકીને કોઈને ખબર ન્હોતી યુનુસે લાંબો સમય એક સિવિલ એન્જીનિયરીંગ કંપનીમાં કામ કર્યું હતું, તે સિવિલ એન્જીનિયર ન્હોતો પણ તેને એન્જીનિયરીંગના પ્રાઈમરી ફન્ડાની ખબર પડતી હતી, તે બહાર હોત તો કદાચ તેના જુના સાથીઓને તેનો હલ પુછતો પણ જેલમાં તેણે જાતે જ રસ્તો કરવાનો હતો. તેનું ધ્યાન કલાસમાં ન્હોતુ, તેને ભણાવી રહેલા સરએ પુછ્યું યુનુસ કયાં છો આજે, યુનુસ જાણે પકડાઈ ગયો હોય તેવું થયું. તેણે કહ્યું સર કઈ નહીં એક પુસ્તક વિશ વિચારી રહ્યો હતો, તે સરને પણ સારૂ લાગ્યું અને આશ્ચર્ય થયું કે યુનુસને પુસ્તકના પણ વિચાર આવે છે. તેમણે પુછ્યું કયા પુસ્કત વિશે વિચારે છે. યુનુસે કહ્યું સર મને તેનું નામ યાદ નથી પણ તમે મને લાયબ્રેરીમાં જવાની મંજુરી આપો તો હું લાયબ્રેરીમાં જઈ આવીશ, સરે કહ્યું તો લાયબ્રેરીમાં જતા કોણ રોકે છે. યુનુસે ત્યાં હાજર જેલ સિપાઈ સામે જોયું, સર સમજી ગયા તેમણે સિપાઈને કહ્યું તમે તેમની સાથે લાયબ્રેરીમાં જજો, પણ યુનુસને જે પુસ્તક જોઈ છે તે વાંચવા દેજો, સિપાઈએ યુનુસ સામે જોયું તેને મનમાં થયુ આ મીયાઓનો કોઈ નવો દાવ લાગે છે.


 

 

 

 

 

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-65:  જેલરે અચાનક પુછેલા પ્રશ્નને કારણે મહંમદ ચમકી ગયો, પણ તરત તેણે ચહેરાના હાવભાવ બદલી નાખ્યા