પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-63): મહંમદ અને તેના સાથીઓને જે બેરેકમાં મુકવામાં આવ્યા હતા, તે અંગ્રેજોના જમાનાની બેરેક હતી, લંબચોરસ બેરેકની પાછળની અને આજુબાજુ વીસ ફુટ અને આગળની તરફ દોઢસો ફુટની ખુલ્લી જગ્યા હતી, તેને ફરતે દસ ફુટની ઊંચી દિવાલ અને આગળની તરફ આ કેમ્પસની બહાર નિકળવા માટેનો લોંખડનો દરવાજો હતો. આમ પહેલા બેરેકના દરવાજા ઉપર તાળું લાગતું અને પછી કેમ્પસના દરવાજા ઉપર તાળું વાગતું હતું, પણ આજે સવારે બેરેક ખોલવા આવેલા સીપાઈના હાથમાં રહેલા ચાવીઓના ઝુડાના અવાજે બેરેક ખુલે તે પહેલા મહંમદને ઉઠાડી દીધો હતો, મહંમદ ઉઠીને બેરેકની બહાર આવ્યો, ખુલ્લા મેદાનમાં તે એકલો ઊભો હતો, મેદાનમાં બે લીમડાના ઝાડ અને એક ઝાંબુનું ઝાડ હતું, તેના ઉપર પક્ષીઓ આવી બેસી ગયા હતા, જાણે તે પંખીઓ તેને ગુડ મોર્નીંગ કહી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. તે બેરેકમાં પાછો આવ્યો તેણે પોતાના સામાનમાંથી બ્રશ કાઢયું અને તેને પેસ્ટ લગાડી, તે બ્રશ લઈ કેમ્પસના નળ ઉપર આવ્યો, નળ ખોલી તેણે પહેલા મોંઢું ધોયુ અને પછી બ્રશ ભીનું કરી બ્રશ કરવા લાગ્યો, તેની નજર આજુબાજુ ફરી રહી હતી. વોર્ડની બહાર ગેટ ઉપર રહેલા વોર્ડનની નજર મહંમદ તરફ હતી. અચાનક મહંમદ અને તેની નજર એક થઈ, વોર્ડન એકદમ ડરી ગયો અને પકડાઈ ગયો હોય તેમ તેણે નજર ફેરવી લીધી. મહંમદ એકલો હસી પડયો, તેને ખબર પડી કે હવે જેલના સીપાઈ અને વોર્ડન તેમના કેમ્પસમાં આવવાની હિંમત કરશે નહીં. તે બેરેકમાં પાછો આવ્યો ત્યાં સુધી લગભગ તેના સાથીઓ ઉઠી ગયા હતા. તેણે બધાને સંબોધતા કહ્યું ચલો ઉઠી જાઓ ચા આવવાની તૈયારી છે, ત્યારે પેડલ રિક્ષામાં  ચા લઈ કેદીની રસોડા પાર્ટી તેમની બેરેક પાસે ઊભી રહી, બધા બહાર નિકળ્યા અને પોતાના ગ્લાસમાં ચા લઈ અંદર આવ્યા, ચા પીતા પીતા મહંમદ વિચાર રહ્યો હતો કે હવે ક્યાંથી કામની શરૂઆત કરવી, તે સવારે ઉઠી બેરેકની આસપાસની ખુલ્લી જગ્યામાં ફરી આવ્યો હતો, તેના મગજમાં આખુ ચિત્ર સ્પષ્ટ હતું.

છતાં તે કાગળ ઉપર તેને ટપકાવવા માગતો હતો, તેણે યુસુફને કહ્યું બટકા મને કાગળ પેન આપ, યુસુફે પોતાના ચોપડામાંથી કાગળ અને પેન મેજરના હાથમાં મુકયા, મેજરનું ડ્રોઈંગ સારૂ ન્હોતુ, છતાં તે યાદ કરી કઈ તરફ કેમ્પસને ગેટ, કઈ તરફ પુર્વ-પશ્ચીમ અને ઉત્તર-દક્ષિણ તે યાદ કરી એક સ્કેચ બનાવવા લાગ્યો, પરવેઝ અને યુસુફ મેજરના ચિત્રને જોઈ રહ્યા હતા, તેમને હજી ખબર પડતી ન્હોતી કે મેજર શું કરી રહ્યા છે. પરવેઝે પુછ્યું મેજર ક્યા બના રહે હો, મેજર હસ્યા અને ડ્રોઈંગ બનાવતા કહ્યું બસ અબ યહી ઠહેરને કા મન બના લીયા હૈ, ઈસીય લીયે મેરા બંગલા કૈસા હોગા યહ તય કર રહા હું. પરવેઝને ગુસ્સો આવ્યો, મેજરે તેના ચહેરો જોતા કહ્યું લંગડે બતાઉગા મેં ક્યા કર રહા હું, તેરે બીના મેરા કામ હોગા ભી નહીં. મેજરે બેરેક અને તેની આસપાસની જગ્યાઓના અંદાજીત માપ સાથે એક નકશો બનાવ્યો અને પોતાના સામાનમાં રહેલા પુસ્તકો વચ્ચે મુકી દીધો, મહંમદને લાગ્યું કે આજનું પહેલું કામ તેણે પુરૂ કર્યું, ન્હાઈ ધોઈ બધા તૈયાર થયા કારણ જમવાનું આવ્યા પછી તેમને રોજ પ્રમાણે કૌશલ્ય કેન્દ્રમાં ભણવા માટે જવાનું હતું, તે પહેલા તેણે પોતાના સાથીઓનો બોલાવી કહ્યું આજથી આપણી જીંદગી પહેલા જેવી છે તેવું જ બધાને લાગવું જોઈએ, જેલ સીપાઈ કે પછી કોઈ કેદીને આપણા વ્યવહાર ઉપર શંકા જાય તેવું થવું જોઈએ નહીં, જેલમાં મુસ્લિમ કેદીઓ પણ જે પહેલા આપણી બેરેકમાં રહેતા હતા, તેમની ઉપર પણ ભરોસો કરતા નહીં. આપણી એક ભુલ આપણી જીંદગીને નર્ક કરતા પણ બદ્દતર બનાવી દેશે, એટલે મોંઢું બંધ રાખી હું જે કઈ કહું તે પ્રમાણે કરતા જાઓ ઈનસાલ્લાહ હવે ફતેહ આપણી છે. બધા એકબીજા સામે જોવા લાગ્યા, મહંમદે કહ્યું હું જોઈ શકુ છું, કે હજી તમારામાં પરવેઝ અને યુસુફના મનમાં ડરે છે. યુનુસને લાગી રહ્યું છે કે આપણે સફળ થઈશું કે નહીં, ચાંદ અને દાનીશ માનીસક રીતે તૂટી ગયા છે. દાનીશના ખભા ઉપર હાથ મુકતા કહ્યું તમે મારી ઉપર ભરોસો મુકો, બધુ સારૂ થશે. પછી તેણે અબુ અને રીયાઝ સામે જોતા કહ્યું મારા આ મલ્લુ દોસ્તો પાસે કોઈ પ્રશ્ન. અબુ અને રીયાઝને કઈ જ ખબર પડી નહીં, તેઓ આઠ વર્ષથી સાબરમતી જેલમાં હતા પણ આટલું ગુજરાતી બોલી શકતા ન્હોતા, મહંમદે જે વાત કરી તે ગુજરાતીમાં હતી, મહંમદ ગુજરાતી બોલવા લાગ્યા હતો. મહંમદનું ગુજરાતી સાંભળી નક્કી કરવું મુશ્કેલ હતું કે તે ગુજરાતી નથી. અબુ અને રીયાઝ મહંમદ સામે જોઈ રહ્યા હતા, મહંમદે તેમની સામે જોતા પુછ્યું આપકો મેરે પે ભરોસા હેના, રીયાઝે કહ્યું મેજર ઈતને સાલો કે બાદ હમે યહ સવાલ પુછતે હો. મહંમદે કહ્યુ નહીં રીયાઝ બાત એસી નહીં હૈ, ફીર ભી હમ અબ જો કરને જા રહે હૈ, ઉસમે સબ કા માનસીક રૂપ સે ભી સાથ હોના જરૂરી હૈ. 

તે દિવસ બધા રોજની જેમ ભણવા ગયા, પોલીસ જાપ્તો હવે તેમની સાથે વધારી દેવામાં આવ્યો હતો, જો કે પોલીસાવાળા હવે તેમની સાથે ખાસ વાત કરતા ન્હોતા. મહંમદ રોજની જેમ ભણાવવા આવતા પ્રોફેસરને સવાલ પુછી મુંઝવી રહ્યો હતો, મહંમદ તેવું બતાડવા માગતો હતો તેની અંદર કોઈ ફેરફાર થયો નથી, પણ કલાસમાં પણ તેનું શરીર જ માત્ર ત્યાં હતું તેનું મન તો કઈ રીતે જેલની બહાર નિકળી શકાય તેની યોજના બનાવી રહ્યું હતું, બપોરની બંદી ખુલી એટલે બધા બેરેકની બહાર આવી બધા લીમડાના ઝાડ નીચે આવી બેઠા હતા. હવે તેમની બેરેકમાં માત્ર આઠ લોકો જ હતા, એટલે હવે તેમની વાત કોઈ સાંભળી શકે તેવી ચિંતા ન્હોતી., મહંમદે પોતાના ખીસ્સામાંથી એક કાગળ કાઢયો એટલે બધાની નજર તેની સામે ગઈ, તેણે વોર્ડની બહારના દરવાજા તરફ નજર કરી અને કોઈ આવતુ તો નથી તેની ખાતરી કર્યા પછી કાગળને ઝાડની નીચે બનાવવામાં આવેલા ઓટલા ઉપર મુકતા કહ્યું જુઓ, બધા કાગળ સામે જોવા લાગ્યા, તેણે કહ્યું આપણી બેરેકની પાછળ તરફ લગભગ દસ ફુટ જેવી જગ્યા છે, તેણે વોર્ડના દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું આ દસ ફુટની જગ્યામાં શું થઈ રહ્યુ છે તેની બહારથી ખબર પડે તેમ નથી.

યુનુસે મહંમદે બનાવેલા નકશા ઉપર હાથ મુકયો અને પુછ્યું મેજર તમે આ જગ્યાની વાત કરો છોને.. મહંમદે હા પાડી, તેણે વાતને આગળ વધારતા કહ્યું આ દસ ફુટ જગ્યા પછી એક દસ ફુટ ઊંચી દિવાલ આવે છે, દિવાલની પાછળ લગભગ વીસ ફુટનો જેલનો આંતરિક રસ્તો પસાર થાય, છે આ રસ્તાનો ઉપયોગ ક્યારેક જ મોટા સાહેબ પોતાની કારમાં નિકળે તો જ થાય છે. વીસ ફુટના રસ્તા પછી ત્રીસ ફુટની ઊંચી દિવાલ છે, તેની ઉપર ત્રણ ફુટના ઈલેકટ્રીક વાયર પસાર થાય છે. તેમાં ચોવીસ કલાક વિજળી પસાર થાય અને દિવાલની પાછળ એસઆરપી જવાનનો પોઈન્ટ રહેલો છે, ચાંદે પુછ્યું તો આપણે બે દિવાલો અને ઈલેકટ્રીક વાયર કેવી રીતે પાર કરીશું... 

(ક્રમશઃ)

દીવાલઃ ભાગ-62: મહંમદે કહ્યું ડર કે જીના મેરી ફીતરત નહીં, મેં અપને સાથ કમજોર સાથી કો નહીં રખતા