પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ 60): તેમને જેલમાં આવી પુરા આઠ વર્ષ વીતી ગયા હતા. મહંમદ બીજા કરતા એકદમ જુદો માણસ હતો. બહુ ઓછો બોલતો હતો પણ તેની અંદર વિચારવાની પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હતી. આઠ વર્ષમાં તેણે પરવેઝ અને યુસુફને જામીન ઉપર છોડવવા માટે 13 વખત અલગ અલગ કોર્ટોમાં જામીન અરજી કરી હતી પણ તમામ કોર્ટેએ જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટ માનવા જ તૈયાર ન્હોતી કે પરવેઝ અને યુસુફને આ કેસ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી. હવે તો યુસુફ અને પરવેઝ પણ આઠ વર્ષ જેલની જીંદગીથી ટેવાઈ ગયા હતા. તેમણે પણ જેલમાંથી તેઓ જીવતા બહાર નિકળે તેની આશા છોડી દીધી હતી. બ્લાસ્ટ કેસ માટે ખાસ કોર્ટ જેલમાં જ ઉભી કરવામાં આવી હતી. હવે તેમનો કેસ જેલમાં જ ચાલતો હતો પણ છેલ્લાં કેટલાંક મહિનાથી મહંમદનો વ્યવહાર બદલાઈ ગયો હતો તે ચિડીઓ થઈ ગયો હતો. બેરેકમાં તે બીજા કેદીઓ સાથે ઝઘડી પડતો હતો. પહેલા તો તેનો વ્યવહાર જેલના સિપાઇઓ સાથે બહુ સારો હતો પણ હવે તો જેલ સિપાઇને જુવે એટલે જાણે આખલો લાલ કપડું જોઈ ભડકતો હોય તેવુ થતુ હતું. મહંમદ અને તેના આઠ સાથીઓને જેલમાં તેમને બેરેકના કેમ્પસ બહાર જવાની પરવાનગી ન્હોતી પણ મહંમદે ભણવાનું બહાનું ઉભુ કરી બેરેક બહાર નિકળવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. રોજ સવારે તે પોલીસ જાપ્તામાં પોતાની બેરેકમાંથી નિકળી બહાર નિકળતા ત્યારે મહંમદની નજર જેલની ભુગોળ સમજવાનો પ્રયત્ન કરતી હતી. મહંમદે પોતાના સાથીઓને તેની ઈચ્છા શુ છે તેની જાણકારી આપી હતી પણ મહંમદ ઈચ્છી રહ્યો હતો તે ક્યારે અને કેવી રીતે પાડ પડશે તેની કોઈને ખબર ન્હોતી. મહંમદના સ્વભાવ પ્રમાણે તેને કોઈ પુછવાની હિમંત કરી શકે તેમ ન્હોતા. જેલમાં મહંમદે ભણવાનું શરૂ કરાવ્યુ, બેરેકમાં બીજા કેદીઓ સાથે ઝઘડો કરવો, જેલ અધિકારીઓ ઉપર ખોટા આરોપો મુકવા આ બધુ તે પોતાની ગણતરીઓ પ્રમાણે કરી રહ્યો હતો. યુનુસ તેની નજીક હોવા છતાં યુનુસ પણ સમજી શકતો ન્હોતો કે મહંમદ આવુ શા માટે કરી રહ્યો છે.

જેલ અધિકારીઓને આઠ વર્ષ સુધી ક્યારેય તેમની જેલમાં બ્લાસ્ટ કેસ જેવા ગંભીર ગુના આરોપીઓ છે તેનો ભાર અને ડર લાગ્યો ન્હોતો પણ છેલ્લાં ચાર મહિનાથી બ્લાસ્ટ કેસના આરોપીઓએ આખી જેલને માથે લઈ લીધી હતી. આખી વાતમાં કોઈને કઈ જ ખબર પડતી ન્હોતી તો તે યુસુફને હતી, તે પોતાની મસ્તીમાં રહેતો હતો ત્યારે મહંમદ પાસે જઈ પુછતો કે મેજર તમે બદલાયેલા કેમ લાગો છો? ત્યારે તે તેના માથા ઉપર હાથ મુકતા કહેતો બટકા હું ક્યા બદલાયો છુ, પહેલા જેવો જ છું. મહંમદ તેને કારણ કહેતો નહીં પણ મહંમદ તેને બટકો કહેતો તે વાત તેને ગમતી હતી, તેને જેલમાં કોઈ પોતાનું લાગતુ હોય તો મહંમદ હતો. મહંમદે પરવેઝને છોડાવવા માટે કોઈ કસર છોડી ન્હોતી, જેનો ખુબ અફસોસ મહંમદને પણ હતો. તે દિવસ તેમની કોર્ટમાં મુદત હતી, જેલ પોલીસ તેમને જેલમાં જ બનાવવામાં આવેલી ખાસ કોર્ટમાં લઈ આવી. મહંમદ અને તેના સાથીઓ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયુ, કારણ તેમની બેઠક વ્યવસ્થા અને જજના ડાયસ વચ્ચે એક પડદો નાખી દેવામાં આવ્યો હતો. યુનુસે જ્યારે જેલ સિપાઈને પુછ્યુ કે વચ્ચે પડદો કેમ છે? તો તેણે છણકો કરતા કહ્યુ જજ સાહેબ આવે છે ત્યારે તમે ઉભા થતાં નથી એટલે પડદો નાખ્યો છે. જજ પોતાની ખુરશી ઉપર બેસે પછી પડદો ખોલી નાખીશુ. મહંમદ આ સાંભળી હસ્યો તેને લાગ્યુ તેની યોજના બરાબર કામ કરી રહી છે. થોડીવાર પછી જજ આવી રહ્યા છે તેવો પોકાર થયો. જો કે મહંમદ અને તેના સાથીઓ જજને જોઈ શકતા ન્હોતા. થોડીવાર પછી જજ આવ્યા અને પોતાની ખુરશી ઉપર બેઠા પછી સિપાઈએ વચ્ચેનો પડદો ખોલી નાખ્યો, બેંચ કલાર્કે બધાના નામ બોલતા બધાએ પોતાનું નામ બોલાય ત્યારે હાથ ઉંચો કરી હાજરી પુરાવી. 

કોર્ટે પોતાની કાર્યવાહી શરૂ કરતા પહેલા આરોપીઓ સામે જોઈ પુછ્યુ તમારી કોઈ ફરિયાદ, તમારે કઈ કહેવુ છે? બધાના આશ્ચર્ય વચ્ચે મહંમદ ઉભો થયો, તેણે કહ્યુ સર મારી એક ફરિયાદ છે, ત્યાં હાજર જેલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મહંમદ સામે જોયુ તે સમજી ગયા કે મહંમદ હવે કોઈ નવુ નાટક કરશે. છેલ્લી આઠ મુદતથી મહંમદ આવુ કંઈકને કંઈક કરી રહ્યો હતો પણ હવે મહંમદ શુ કરવાનો છે તેની તેના સાથીઓને પણ ખબર ન્હોતી. જજે મહંમદ સામે જોયુ અને કહ્યુ બોલો શુ ફરિયાદ છે? મહંમદે કહ્યુ સર જેલ સ્ટાફનો વ્યવહાર અમારી સાથે ખુબ ખરાબ છે, તેઓ અમારી બેરેકમાં આવી કારણ વગર ઝડતી કરે છે પછી ત્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરફ ઈશારો કરતા કહ્યુ આ ક્રાઈમ બ્રાન્ચવાળા ઝડતીના નામે અમારી બેરેકમાં આવી અમને ફટકારે છે, જેલ સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચવાળા એકબીજા સામે જોવા લાગ્યા. બીજી જ ક્ષણે તેમને લાગ્યુ કે કંઈ વાંધો નહીં કોર્ટ તેમને બહુમાં બહુ ઠપકો આપશે પણ મહંમદે વાત આગળ વધારતા કહ્યુ સર આ બધુ તો અમે સહન કરીશુ કારણ અમે મુસલમાન છીએ એટલે અમારે સહન કરવુ જ પડશે પણ હવે જેલવાળા આ ક્રાઈમવાળાને અમારી નમાઝ સામે પણ વાંધો છે. અમે પાંચ વખત નમાઝ પઢીએ તે તેમને પસંદ નથી. જજ મહંમદને સાંભળી રહ્યા તેમને પણ ફરિયાદ કરતા મહંમદની ફરિયાદમાં કોઈ વજુદ લાગ્યુ નહીં પણ ત્યારે મહંમદે ખિસ્સામાંથી કેટલાંક ફાટેલા કાગળના ટુકડા કાઢી કોર્ટને બતાડતા કહ્યુ જુઓ સાહેબ બે દિવસ પહેલા ઝડતી કરવા આવેલા સ્ટાફે અમારા કુરાનના ટુકડા કરી નાખ્યા. આ વાક્ય સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા.

જજે જેલ સ્ટાફ સામે જોયુ મહંમદના સાથીઓ પણ મહંમદ સામે જોવા લાગ્યા. નજીક ઉભા રહેલા પોલીસ અધિકારીઓએ મહંમદના હાથમાં રહેલા કાગળના ફાટેલા ટુકડા સામે જોયુ પણ તેનું ઉપર ઉર્દુ લખાણ હતું એટલી જ ખબર પડી. જજે પોતાના સ્ટેનોગ્રાફર સામે જોતા તેણે નોંધ કરવાની શરૂઆત કરી. તેમણે જેલના આઈજીપીને સંબોધી લખ્યુ કે જેલમાં બ્લાસ્ટના કેસના આરોપીઓ સાથે જેલ પોલીસ અને સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરવ્યવહાર થઈ રહ્યો છે તેવી અગાઉ પણ પોલીસ અને જેલને તાકીદ કરવા છતાં તેમના વ્યવહારમાં કોઈ ફેરફાર થયો નથી. પોલીસ અને જેલ સત્તાવાળાના આ પ્રકારના અમાનવીય વ્યવહારની અદાલતે ગંભીર નોંધ લીધી છે. આઈજીપીને આદેશ આપવામાં આવે છે કે આ અંગે તપાસ કરી એક સપ્તાહમાં પોતાનો અહેવાલ કોર્ટને સુપ્રત કરે. આ ઉપરાંત કુરાન જેવા ઈસ્લામના પવિત્ર ધર્મગ્રંથને ફાડી નાખવાની ઘટનાને પણ કોર્ટ ગંભીરતાથી લઈ રહી છે. આ પ્રકારની હવે ચુક થશે તો કોર્ટ જવાબદાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરશે. આ સાંભળી મહંમદના ચહેરા ઉપર એક આછુ સ્મિત આવ્યુ, તે જજને થેંક્સ સર કહી પોતાની જગ્યા ઉપર બેસી ગયો. તેણે ત્રાંસી આંખે યુનુસ સામે જોયુ, યુનુસને કંઈજ સમજાયુ નહીં કે કુરાનની જે ઘટનાનો મહંમદ ઉલ્લેખ કરી રહ્યો હતો તે ક્યારે બની, તેને મહંમદનું પણ માઠુ લાગ્યુ કે તેણે ખોટી ફરિયાદ કરવા કુરાનના પાના ફાડ્યા હતા. (ક્રમશ:)

દીવાલ ભાગ 59: યુસુફે કોર્ટમાં બુરખો પહેરેલી મહિલા જોઈ અને તે રડી પડ્યો