મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને સીબીઆઈ અને અમરેલી પોલીસ દ્વારા બિટકોઈનના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવી લીધા છે. આ મામલે ગૃહ વિભાગ સામે થયેલી ફરિયાદ પછી ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદીની ફરિયાદના તથ્યો શોધવાને બદલે જેમની ઉપર આરોપ છે તેવા અમરેલી પોલીસની વાતને સાચી માની ફરિયાદીને જ આરોપી બનાવી દેવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. સુત્રોની જાણકારી પ્રમાણે શૈલેષ ભટ્ટ બહુ જલદી સીઆઈડી ક્રાઈમ સામે હાજર થઈ વધુ કેટલાક પુરાવા પુરા પાડશે.

અમરેલી પોલીસના દાવા પ્રમાણે તેમને અમરેલીના બાબરાની એક વ્યકિતની અરજી મળી હતી જેમાં આરોપ હતો કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે સુરતની ઘવલ નામની એક વ્યકિતનું અપહરણ કરી તેને માર મારી ગોંધી રાખી તેની પાસેથી 12 કરોડની કિંમતના 200 બિટકોઈન અને 14 કરોડ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. જ્યારે શૈલેષ ભટ્ટની ફરિયાદ છે કે, બિટકોઈનનો કેસ કરવાની ધમકી આપી પહેલા સીબીઆઈના ઈન્સપેકટર સુનિલ નાયરે પાંચ કરોડ રૂપિયા અને ત્યાર બાદ અમરેલીના ઈન્સપેકટર અનંત પટેલે 12 કરોડના બિટકોઈન પડાવી લીધા હતા. આ ઉપરાંત 78 લાખ રોકડા લીધા હતા. સીઆઈડી ક્રાઈમ શૈલેષ ભટ્ટે પોલીસ અને સીબીઆઈ ઉપર મુકેલા આરોપીની તપાસ કરવાને બદલે ઘવલ નામની વ્યકિતના અપહરણ અને તેના પૈસા અને બિટકોઈન પડાવી લીધા હોવાની ઘટનાની તપાસ કરી રહી છે.

પરંતુ આશ્ચર્ય તે બાબતનું  છે કે અમરેલી પોલીસ જે ઘવલની વાતનો ઉલ્લેખ કરી રહી છે, તેણે પોતે તો કોઈ પણ સ્થળ અપહરણની ફરિયાદ જ કરી નથી અને ઘવલ પોતે જ ભારત છોડી જતો રહ્યો છે. આમ અમરેલી પોલીસ અને સીઆઈડી જે ઘવલના અપહરણ અને તેની પાસેથી પૈસા પડાવી લીધાના વાત કરી રહી છે. તે ઘવલ તો કયારેય કોઈ પોલીસ કે એજન્સી સામે આવ્યો જ નથી અને તેણે તો કોઈ ફરિયાદ કરી નથી જ નથી. તેમજ તે નજીકના ભવિષ્યમાં ભારત આવે તેવી સંભાવના પણ નથી, છતાં કોઈ પણ હિસાબે શૈલેષ ભટ્ટ ખોટા છે અને તેમની ફરિયાદમાં તથ્ય નથી તેવું સાબીત કરવામાં સીઆઈડી મહેનત કરી રહી છે, પણ બધી બાબતોનો ત્યારે જ ખુલાસો થશે જ્યારે શૈલેષ ભટ્ટ સીઆઈડી સામે આપી તેમની તમામ શંકાનું સમાધાન કરશે.

જ્યારે આ કેસમાં જેમની ઉપર આરોપ છે તેવા ઈન્સપેકટર અનંત પટેલ નોકરીના સ્થળેથી ભુગર્ભમાં જતા રહ્યા છે. જેમના માથે અમરેલી ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી છે તેઓ પોતાના ફરજ ઉપર કેમ આવતા નથી તેવું ડીએસપી જગદીશ પટેલ પુછતાં પણ નથી. બીજી તરફ જગદીશ પટેલ અમરેલીના તમામ નાના મોટા રાજકીય નેતાઓને વોટસએપ કોલ કરી મદદ માંગી રહ્યા છે, તેઓ અમરેલી પોલીસની આબરૂનો સવાલ છે તેવી દુહાઈ આપી ગૃહમંત્રી પ્રદિપસિંહ સમક્ષ અમરેલીની પોલીસ પાકસાફ છે તેવી રજૂઆત કરવા આજીજી કરી રહ્યા છે.