મેરાન્યૂઝ નેટવર્ક.ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો જાણે વિદેશી દારૂનું મુખ્ય મથક બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાણવડ તાબેના રાણપર ગામેથી થોડા માસ પૂર્વે વિદેશી દારૂ ભરેલું એક ટોરસ મળી રૂપિયા પોણા કરોડનો મુદ્દામાલ ઝડપાયા બાદ ગત રાત્રીના પોલીસે રાણપર પંથકમાંથી 1188 પેટી પરપ્રાંતિય દારૂ ઝડપી લીધો છે. જો કે આ દરોડા દરમ્યાન બુટલેગરો અંધારામાં નાશી છુટવામાં સફળ રહ્યા હતાં. આ એજ બુટલેટર છે જેને જામજોધપુર પોલીસ પર હુમલો કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થા ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પરથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદની રાહબારી હેઠળ જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત રાત્રીના નાઇટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. ભાણવડ તાલુકાના રાણપર ગામ નજીક બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ દ્વારા આ દારૂ સંદર્ભેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ સ્થળે ધીંગેશ્વર મહાદેવના મંદિર તરફથી પસાર થતા એમ. એચ. 46 એફ. 4935 નંબરના એક પરપ્રાંતિય શખ્સને અટકાવી તેમાં ચેકીંગ કાર્યવાહી કરતા આ ટ્રકમાં બેઠેલા સાતથી આઠ જેટલા શખ્સો આ ટ્રકને રેઢો મુકી અંધારામાં ઓગળી ગયા હતા.

પરપ્રાંતિય એવા આ ટ્રકમાં ચેકીંગ કરતા ટ્રકના ઠાઠામાંથી 1188 પેટી વિદેશી દારૂની બોટલ તાલપત્રી ઢાંકેલા તેમાં મળી આવી આવતાં રૂા. 57,02,400/- ની કિંમતના વિદેશી દારૂ તથા રૂા. બાર લાખની કિંમતના આયસર ટ્રક મળી, કુલ રૂા. 69,06,900/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. 

દારૂનો આ જથ્થો રાણપર ગામના જ કુખ્યાત શખ્સો અરજણ આલા કોડીયાતર, પોપટ આલા કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર અને લાખા રામા કોડીયાર નામના શખ્સોએ મંગાવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ દારૂનો જથ્થો લઇને આવનારા ત્રણ થી ચાર શખ્સો નાશી ગયા હોવાનું જાહેર થયું છે. 

એલ.સી.બી. પી.આઇ. એલ.ડી.ઓડેદરા તથા સ્ટાફે આ કાર્યવાહી રાણપર ગામે જુની બંધ પથ્થરની ખાણમાંથી ઉપરોકત ટ્રકમાંથી દારૂ ઉતારતી વખતે કરવામાં આવી હતી. જેમાં દારૂ કટીંગ કરાય તે પહેલાં જ પોલીસે તેઓને પકડી પાડ્યા હતાં. પોલીસે પ્રોહી. એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ભાણવડ પોલીસને સોંપવામાં આવી છે. અરજણ આલા નામના બુટલેગરે તાજેતરમાં જામજોધપુર પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ કોન્સ્ટેબલને ઇજા પણ પહોચી હતી. ભાણવડ પંથકમાં ઘટેલી આ ઘટનામાં જામજોધપુર પીએસઆઇ સ્વબચાવમાં હવામાં ફાયરીંગ પણ કર્યા હતાં. આ કેસમાં પણ આરોપી હજુ ફરાર છે.