મેરાન્યૂઝ નેટવર્ક, જોધપુર: કાળા હરણના શિકાર મામલે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને 5 વર્ષની જેલની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ અન્ય ફિલ્મ સ્ટાર્સને શંકાના આધારે જોધપુરની સ્થાનિક અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનને કેદી નંબર 102 આપવામાં આવ્યો છે તથા તેને બેરેક નંબર 2માં રાખવામાં આવ્યો છે. આ બેરેકે આશારામ બાપુની બેરેકની નજીકમાં છે.

જોધપુરના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ વર્ષ 1998માં થયેલ આ ઘટનાના સંબંધમાં ગત 28 માર્ચે કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નીલમને નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન સલમાન પર જોધપુર નજીક કાંકાણી ગામ સહિત ત્રણ જુદાજુદા સ્થળો પર હરણનો શિકાર કરવાનો આક્ષેપ હતો. સલમાન ખાનને આ કેસમાં 1 વર્ષથી લઇને 6 વર્ષ સુધીની સજા થઇ શકે છે. બીજી તરફ સલમાન ખાનના વકીલે સલામન ખાનના સામાજીક કાર્યોને આગળ ધરી અપીલ કરી છે કે સલમાનને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. સલમાને પણ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે કાળીયારનો શિકાર તેણે નથી કર્યો, તે નિર્દોષ છે.   અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન સંરક્ષિત પ્રાણી કાળિયાર સાથે જોડાયેલ ત્રણ કેસોમાં બે વખત જેલ જઇ ચુક્યો છે. એપ્રિલ 2006 અને ઓગસ્ટમાં 2007 સલમાનને જોધપુર જેલમાં જવુ પડ્યુ હતું.  

જોધપુરની કોર્ટે સલમાન ખાનને કાળિયાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા તથા દસ હજાર રૂપિયા દંડ ફટકારતા જ સલમાન ખાનની આંખમાં આંસુ આવી ગયા હતા. સલમાનને પોલીસે ત્યાર બાદ કસ્ટડીમાં લીધો હતો અને મેડિકલ તપાસ માટે લેઇ જવાયો હતો. જ્યાર બાદ તેને જોધપુર જેલ લઇ જવાયો છે. અત્રે નોંધનીય છે કે સલમાનને જે જેલમાં રાખવામાં આવશે ત્યા દુષ્કર્મ અને હત્યાના આરોપી આશારામ બાપુ પણ સજા ભોગવી રહ્યા છે.