મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાવવા સાથે હજુ ચોમાસાના આગમનને ૧૫ દિવસ જેટલી વાર છે ત્યારે રાજ્ય સરકારે ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતથી જ પાણી માટે પાણીમાં બેસી ગયેલી ભાજપ સરકાર હવે જળસંચય બાદ વરસાદી પાણી માટે પણ પ્રજાને રામભરોસે રાખવા માંગે છે. જેમાં સરકાર દ્વારા રાજ્યના કુલ ૪૧ સ્થળોએ પર્જન્ય યજ્ઞ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં ગઈ વિધાનસભાની ચૂંટણી પછી તરત જ પીવાના પાણી અને સિંચાઈ માટે સર્જાયેલી વિકટ સમસ્યા અંગે પાણી પુરવઠા મંત્રી પરબત પટેલે રાજ્યમાં અત્યારે રહેલા પાણીના જથ્થા વિશે જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે ૨૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં નર્મદા ડેમમાં ૩૨ ટકા તેમજ અન્ય ડેમોમાં ૨૭ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં પાણીની વિકટ સમસ્યાના કારણે ૩૧૧ સ્થળોએ ટેન્કર્સ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના રોષનો ભોગ બનવું પડે નહીં તે માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરતના સ્થાપના દિવસથી શરૂ કરાયેલી આ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય યોજનાનું ૩૧ મેના રોજ સમાપન થવાનું છે. ત્યારે આ અભિયાનના છેલ્લા  દિવસે વિવિધ જિલ્લાઓમાં કરાયેલા એક તળાવ ખાતે પર્જન્ય યજ્ઞ કરી તેમાં માં નર્મદાનું જળ પધરાવવામાં આવશે. આ પર્જન્ય યજ્ઞ પ્રસંગે સમારોહ યોજી તેની જવાબદારી પ્રભારી પ્રધાનો અને સચિવોને સોંપવામાં આવી છે. આ પર્જન્ય યજ્ઞમાં જે તે સ્થળે મુખ્યમંત્રી સહીત મંત્રીઓ પણ હાજર રહેશે.

સામાન્ય રીતે પર્જન્ય યજ્ઞ વરસાદ આવે નહીં અથવા અતિશય વિલંબ થયો હોય ત્યારે સારો વરસાદ આવે તેવી માનતાથી કરવામાં આવે છે. આ પર્જન્ય યજ્ઞ કરવાથી વરૂણ દેવતા રીઝતા હોવાની માન્યતા છે. આ યજ્ઞની પૂજામાં ૧૦૮ લોકો બેસી તેમાં નાગરમોથ, કમલમુલ, પીપળો, કાળા તલ, ગાયનું છાણ, ગાયનું ઘી, કપુર સહિત જુદી-જુદી સામગ્રી વાપરતા હોય છે. જો આગામી એક મહિનામાં મેઘરાજા વરસે નહીં અને જો ઉનાળાની ગરમી કાળઝાળ બની રહેશે તો સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગી ઊભી થાય તેવી શક્યતાઓ છે. આથી સરકાર પાણી પહેલા જ પલ બાંધી વહેલી તકે પ્રજાને પર્જન્ય યજ્ઞના ભાવમાં ભીંજવવા માંગે છે.