મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ ડિજિટલ બેંકિંગ સુવિધા ગ્રાહકો માટે આશીર્વાદ સમાન સાથે પડકારજનક બની રહી છે એટીએમ કાર્ડ ધરાવતા અનેક ગ્રાહકો સતત ઓનલાઈન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ઉબસલ ગામના અને દિલ્હી ખાતે બીએસએફમાં ફરજ બજાવતા જવાનના એસબીઆઈના ખાતામાંથી ૪૮ કલાકના સમયગાળામાં ૮૦ હજાર રૂપિયા ઉપડી જતા ભારે ચકચાર મચી હતી. બીએસએફ જવાને આ અંગે લેખિતમાં સ્ટેટ બેંક બડોલી અને ઇડર પોલીસ સ્ટેનશનમાં લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગ કરી હતી.

ભિલોડા તાલુકાના ઉબસલ ગામના હર્ષદ ભાઈ બચુભાઈ ચોલવિયા (ઉં.વર્ષ-૩૫) દિલ્હી ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં નોકરી કરે છે વતનમાં ઘર બનાવવા જીપીએફ ઉપાડી તેમના બચત ખાતામાં જમા કરાવી ૨૦ એપ્રિલે વતન આવ્યા હતા ૧ મે ૨૦૧૯ ના રોજ ભિલોડાની ઇલેક્ટ્રોનિક શોપ માંથી એટીએમ મારફતે ૮ હજારનું એરકુલર ખરીદી કર્યા પછી ૨ મે ૨૦૧૯ ના દિવસે કોઈ શખ્શે ૪૦ હજાર રોકડા રૂપિયા એટીએમ મારફતે ઉપાડી લીધા પછી ૩ મે ૨૦૧૯ ના દિવસે અનિતાકુમારી નામની મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કરતા ૪૮ કલાકમાં ૮૦ હજાર ખાતામાંથી ગાયબ થઈ ગયા હતા.

૮૦ હજાર ખાતામાંથી ઉપડી જવા છતાં એક પણ મેસેજ ન આવતા સમગ્ર ઘટનાથી અજાણ બીએસએફ જવાન ૧૧ મે રૂપિયાની જરૂર જણાતા એટીએમ મારફતે રૂપિયા ઉપાડવા જતા તેના બચત ખાતામાંથી ૮૦ હજાર બરોબર કોઈએ ઉપાડી લીધાની ખબર પડતા પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવો ઝાટકો લાગ્યો હતો. આ અંગે સ્ટેટબેંકના જવાબદાર અધિકારી અને ઇડર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં રૂપિયા પરત ન મળતા બીએસએફ જવાન હર્ષદ ભાઈ રૂપિયા પરત મેળવવા બેંક અને પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીએસએફ જવાન હર્ષદ ભાઈ ભિલોડા તાલુકાના હોવાથી ઇડર પોલીસે બીએસફ જવાનને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી દીધું છે.