મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક પાસે એક મહિલા ચાલતી જઈ રહેલી હતી. તે દરમ્યાન પાછળથી આવતા આખલાએ અચાનક દોડી મહિલાને ભેટી મારી હવામાં ફંગોળી દીધી હતી. મહિલાને હવામાં ઉછળતી નજરે જોનાર સહુ અવાક બની ગયા હતા અને તાત્કાલીક મહિલાની મદદ કરવા દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દિપ્તિબહેન ઠાકર શ્રવણ ચોકડી પાસે આવેલા એક જ્વેલર્સના ત્યાં નોકરી કરે ચે. મંગળવારે બપોરે તેઓ ચાલતા પાંચબત્તી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શક્તિનાથ રેલવે નજીકના નર્મદા કોપ્લેક્સ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આખલાએ તેમને પાછળથી ભેટી મારી હતી અને તેઓ હવામાં ફંગોળાઈ ગયા હતા. જેમાં દિપ્તિબહેનને ઘણી ઈજાઓ થઈ હતી. સ્થાનીકો પણ આ દ્રશ્ય જોઈ રીતસરના ચોંકી ગયા હતા. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરો મામલે માત્ર ખિસ્સા ગરમ કરી કામગીરીના નામે મીંડા સમાન થતી કાર્યવાહીને પગલે અવારનવાર આ પ્રકારની ઘટનાઓનો ભોગ સામાન્ય વ્યક્તિઓને બનવું પડે છે. તંત્ર અને પશુપાલકો વચ્ચેની હાથમિલાવટને પગલે પરેશાન થતાં લોકોમાં કડક કાર્યવાહીની માગ ઉઠી છે.