મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારત રત્ન, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જન સંઘના નેતા અને ત્યાર બાદ બનેલ રાજકીય પક્ષ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની ઉંમરે આજે દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓને ગત 11 જૂનના રોજ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજયેપીના મૃત્યુથી દેશભરના રાજકીય નેતાઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.  

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયર (મધ્યપ્રદેશ) માં થયો હતો. તેમના માતાનું નામ કૃષ્ણાદેવી અને પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી હતું. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. તેઓ રાજકારણી સાથે લેખક અને કવિ પણ હતા. અટલ બિહારી વાજયેપીને વર્ષ 1992માં પદ્મ વિભૂષણ તથા વર્ષ 2015માં ભારતના સર્વેચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. મોરારજી દેસાઇની સરકારમાં તેઓ 1977થી 1979 દરમિયાન વિદેશ મંત્રી રહ્યા હતા. જ્યારે મે 1996માં માત્ર 13 દિવસ વડાપ્રધાન પદે રહ્યા બાદ બહુમત સાબિત ન કરી શકતા રાજીનામુ આપ્યું હતું. જ્યાર બાદ બીજી  વખત તેઓ ચૂંટાઇ આવ્યા અને 1998થી 1999 દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા અને જયલલિતાએ સમર્થન પાછું ખેંચતા વાજયેપીએ 13 મહિનાના શાસન બાદ વડાપ્રધાન પદે રાજીનામુ આપવુ પડ્યું. વાજયેપીના આ કાર્યકાળ દરમિયાન પોખરણ-2, લાહોર સમિટ તથા કારગીલ યુદ્ધ થયું હતું. જ્યાર બાદ ત્રીજી વખત 1999માં તેઓ ચૂંટાઇ આવ્યા અને 1994થી 2004 સુધી પાંચ વર્ષ માટે તેઓ વડાપ્રધાન પદે રહ્યા અને આ કાર્યકાળ દરમિયાન ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન અપહરણ, નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ, આર્થિક સુધારણા, 2001માં સંસદ પર આતંકવાદી હુમલો, ગુજરાતમાં 2002માં ગોધારા કાંડ અને કોમી રમખાણો થયા હતા. આ રખમાણો દરમિયાન અટલ બિહારી વાજયેપીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવા કહ્યું હતું. અટલ બિહારી વાજયેપી કુલ નવ વખત લોકસભામાં સંસદ સભ્ય અને બે વખત રાજ્યસભાના સંસદ સભ્ય રહી ચુક્યા હતા. જુદીજુદી લોકસભા ચૂંટણીઓમાં અલગ અલગ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હીથી ચૂંટાનાર તેઓ એકમાત્ર સંસદ સભ્ય હતા. 1969થી 1972 સુધી વાજપેયી ભારતીય જન સંઘના પ્રમુખ હતા.

અટલ બિહારી વાજયેપીએ લગ્ન કર્યા ન હતા. તેમણે એક દીકરી દત્તક લીધી હતી જેનું નામ નમિતા છે. અટલ બિહારી રાજનેતાની સાથે કવિ, લેખક અને પત્રકાર પણ હતા. તેમણે અનેક પુસ્તકો અને કવિતાઓ લખી છે. તેમના દ્વારા લખાયેલ ગઝલ આલ્બમ્સ ‘નયી દિશા’ તથા ‘સંવેદના’ ને પ્રસિદ્ધ ગઝલ ગાયક સ્વ. જગજીતસિંઘે સ્વરબદ્ધ પણ કરી હતી.