મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકા ખાતે એક સગીરા પરના બળાત્કાર કેશમાં કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. ગત વર્ષે જ આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપીને પકડી પાડી જેલ હવાલે કરી ચાર્જસીટ રજુ કર્યું હતું, કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી અન્ય અસામાજિક તત્વોમાં ધાક બેસાડવા કડક ચુકાદો આપ્યો છે.

ઓખા નજીકના બેટ દ્વારકા ખાતે ગત વર્ષે એક પરિવારની ૧૪ વર્ષ સાત માસની સગીરાને તેણીના જ ગામના સાજિદ સતાર સપનાએ રાત્રીના સમયે ફોન કરી બહાર બોલાવી, તેણીના ઘરની નજીક આવેલા વાડામાં લઇ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે તેણીએ પરિવારને જણાવી સ્થાનિક પોલીસ દફતરમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સ્થાનિક પોલીસે આરોપીને પકડી પાડી, મેડીકલ ચેક અપ કરાવી જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી હતી. દરમિયાન કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

આ કેસ ખંભાળિયા સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દ્વારા ૨૧ દસ્તાવેજો અને ૧૪ સાહેદો તપાસી દલીલ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીઓ રજુ કર્યા હતા. જેના આધારે એડીશનલ સેસન્સ અને પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ એસએન સોલંકીએ આરોપી સાજીદને તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખ્ત કેદ અને દસ હજારનો દંડ ફટકાયો હતો. જો દંડ ન ભરપાઈ થાય તો આરોપીને વધુ બે વરસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.