મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને એવું ફરમાન કર્યું છે કે ચાઈનીઝ એપ્લીકેશન ટીક ટોકને મોબાઈલમાં ડાઉનલોડ થતી અટકાવવામાં આવે. આ ઉપરાંત હાઈકોર્ટે મીડિયાને પણ ટીક ટોક દ્વારા બનાવવામાં આવેલા વીડિયોને પ્રકાશિત ન કરવાની સૂચના આપી છે.

કોર્ટના જસ્ટિસ એન કિરુબકરન અને એસ.એસ. સુંદરની ખંડપીઠ દ્વારા આ કેસમાં કેન્દ્રને જવાબ આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે ઓનલાઈન ગતિવિધિઓથી બાળકોને શિકાર બનતા બચાવવા માટે યુએસના ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ જેવો કી કાયદો સરકાર ઘડી રહી છે કે કેમ. આ રીતે કોર્ટે સરકારને ઓનલાઈન દુષણોથી બાળકોને બચાવવા માટે કાંઈક નક્કર પગલાની જરૂર છે તેવું આડકતરી રીતે પણ સ્પષ્ટ સમજાય તેમ કહ્યું છે.

આ અંગે મદુરાઇ સ્થિત વકીલ તેમજ સામાજિક કાર્યકર મુથુ કુમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોર્નોગ્રાફી, સંસ્કૃતિનું પતન, બાળકોનું શોષણ, આપઘાત જેવા મુદ્દાઓનો હવાલ આપીને વકીલે ટીક ટોક એપ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ એપ્લિકેશનના માધ્યમથી જે પ્રેન્ક વીડિયો બનાવવામાં આવે છે તે પ્રાઇવસીનો ભંગ છે તેથી નક્કર પગલાની જરૂર છે.
મહિનાઓ પહેલા AIADMKના ધારાસભ્ય થમીમૂન અન્સારીએ પણ ગૃહમાં એવી માંગણી કરી હતી કે ટીક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવે. ધારાસભ્યએ દલીલ કરી હતી કે આ એપ્લિકેશનને કારણે સંસ્કૃતિની અધોગતી થઈ રહી છે. આ સમયે રાજ્ય આઈટી મંત્રી મનીકન્નડને જણાવ્યું હતું કે તેઓ આ વાત કેન્દ્ર સરકારના ધ્યાન પર મૂકશે.
ટીકી ટોક એ ચીનની Beijing ByteDance Co નામની કંપનીની વીડિયો એપ્લિકેશન છે. ફેબ્રુઆરી સુધીમાં એક બિલિયન લોકો ટીક ટોકને ડાઉનલોડ કરી ચુક્યા હતા. ટીક ટોક આખી દુનિયામાં પ્રસિદ્ધ એપ્લિકેશન છે. વર્ષ 2018માં ટીક ટોક નોન ગેમ્સમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્લિકેશનમાં ચોથા ક્રમે હતી.