મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અટલ બિહારી વાજપેયી રાજકારણમાં આવ્યા ત્યારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા. સંસદમાં જ્યારે વાજપેયીને સાંભળ્યા ત્યારે નહેરૂને અંદાજ આવી ગયો હતો કે આ એક એવો નેતા છે જે દેશનું ભવિષ્ય બનશે. નહેરૂ અને વાજપેયી રાજકીય રીતે પોતાના વિરોધીઓ હતા, છતાં તેઓ એકબીજાને ખુબ આદર આપતા હતા. એક વિદેશી પ્રતિનિધિ મંડળ જવાહરલાલ નહેરૂને મળવા માટે આવ્યું હતું, નહેરૂને મળી જ્યારે આ વિદેશી પ્રતિનિધિમંડળ પરત ફરી રહ્યું હતું ત્યારે નહેરૂએ તેમને સૂચન કર્યું હતું કે ભારતીય રાજકારણને તમારે સમજવુ હોય તમારે અમારા વિરોધ પક્ષના યુવા નેતા અટલ બિહારી વાજપેયીને પણ મળવું જોઈએ. આમ નહેરૂને વાજપેયી માટે કેટલો આદર હતો તેનું આ ઉદાહણ છે.

આવુ જ વાજપેયીનું પણ હતું, કોંગ્રેસના પ્રખર વિરોધી જ્યારે પહેલી વખત વિદેશ પ્રધાન થયા અને પોતાની ચેમ્બરમાં આવ્યા ત્યારે તેમણે પોતાના અંગત સચિવને પુછ્યું કે હું અગાઉ પણ આ ચેમ્બરમાં આવેલો છું, ત્યારે મને યાદ છે આ દીવાલ ઉપર એક તસવીર હતી, પણ હવે તે તસવીર નથી આવું કેમ બન્યું? અંગત સચિવે સંકોચ સાથે કહ્યું કે તમારી વાત સાચી છે, અહીં તસવીર હતી, તે જવાહરલાલ નહેરૂની હતી, પણ હવે સરકાર બદલાઈ એટલે અમે તે ઉતારી લીધી છે. બાજપાઈએ નમ્રતા સાથે કહ્યું નહેરૂ કોઈ પક્ષના નહીં દેશના વડાપ્રધાન હતા. મને લાગે છે કે તમારે તે તસવીર ફરી તેની જગ્યાએ લગાવી દેવી જોઈએ અને તેઓ મંત્રી  રહ્યા ત્યાં સુધી તેમની ચેમ્બરમાં નહેરૂની તસવીર હતી.