અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાને રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ જતાં કેન્દ્રની મોદી સરકારે ગુજરાત સરકારનો ઉધડો લઇ નાખ્યો હતો અને જીલ્લા કલેક્ટર, ડીએસપી સહિતના સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં પરપ્રાંતિયોનો વિશ્વાસ સંપાદન કરવા માટે અરવલ્લી જીલ્લા કલેક્ટર, ડીએસપી, ડીએસપીના પત્ની તેમજ ડીડીઓ અને બીજા અધિકારીઓએ મોડાસા બસ સ્ટેશન પાસે પાણી પુરી ખાતા મોડાસા શહેરમાં આ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

ગુજરાતમાં ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી કામ કરવા માટે આવેલા શ્રમિકોને સાબરકાંઠામાં બાળકી પર દુષ્કર્મની ઘટના બાદલ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત બહાર કાઢવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આદેશ બાદ ગુજરાત સરકાર બચાવની મુદ્રામાં આવી ગયુ છે અને ખાસ કરીને બિહારી અધિકારીઓને પરપ્રાંતિય શ્રમિકોને સમજાવવા માટે મોકલવામાં આવી રહ્યા છે. મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારે ગઇકાલે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેવી જ રીતે ગાંધીનગર કલેક્ટર અને ગાંધીનગર ડીએસપીએ સાંતેજ, છત્રાલની મુલાકાત લીધી હતી અને શ્રમિકોને સમજાવ્યા હતા.

અરવલ્લી જીલ્લાના નવા ડીએસપી મયુર પાટીલની પત્નીએ પરપ્રાંતિયોને રિઝવવાનો નવુ નુસખો શોધી કાઢ્યો હતો. જેમાં IPS મયુર પાટીલની પત્ની તેમના પતિ સાથે જીલ્લા કલેક્ટર નાગરાજન, જીલ્લા વિકાસ અધિકારી હર્ષિત ગોસાવી તેમજ બીજા અધિકારીઓ સાથે મોડાસા સીટી બસ સ્ટેશન વિસ્તારમાં આજે ગુરુવારે સાંજના સમયે પકોડીની લારી ઉપર ગયા હતા અને પરપ્રાંતીય પાસેથી પકોડી ખાઇને તેની સાથે સુરક્ષાને લઇને સંવાદ પણ કર્યો હતો. જીલ્લા પોલીસ વડા મયુર પાટીલે પરપ્રાંતિયોને તેમની સલામતીની ખાતરી આપી હતી અને કોઈપણ અફવા પર ધ્યાન ન આપવાની સુચના આપી હતી.

અરવલ્લી ડીએસપી મયુર પાટીલે મેરાન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આ આઇડિયા મારી પત્નીનો હતો. જિલ્લા વહિવટી તંત્ર પ્રરપ્રાંતિયોની સાથે છે તેવો વિશ્વાસ સંપાદીત કરવા માટે લોકો જે રીતે પકોડી ખાતા હતા તેવી રીતે અમે પણ પકોડી ખાધી હતી.