મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન ઉપર કારસેવકોના ડબ્બાને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં 57 કાર સેવકોના આગમાં બળી જતાં મોત થયા હતા. આ ઘટનાના વ્યાપક પડઘા પડ્યા અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હિંસા ફાટી નિકળી હતી. જો  કે સૌથી વધુ હિંસા અને મોત અમદાવાદમાં થયા હતા, જેના કારણે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અમદાવાદની સ્થિતિની જાણકારી મેળવવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝને અમદાવાદની સ્થિતિની સમીક્ષા કરવા મોકલ્યા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝ અમદાવાદ આવ્યા અને તેમને વિવિધ વિસ્તારની મુલાકાત લીધી, મુલાકાત પછી તેમણે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે વિવિધ પ્રશ્ને  જાણકારી મેળવી હતી અને તેઓ દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હી ગયા પછી તેમણે વાજયેપીને ગુજરાતમાં ખરેખર શું બન્યું તેની જાણકારી આપી ત્યારે વાજયેપી આવું પણ થઈ શકે તેવું માની શકતા ન્હોતા, એટલે થોડા દિવસ બાદ ખુદ વાજયેપીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરિમાન તેમણે તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને અસરગ્રસ્તોને પણ મળ્યા હતા. તેમણે વિવિધ રાહત છાવણીમાં રહેતા લોકોને પણ મળ્યા હતા અને તેમણે તેમને સાંભળ્યા પણ હતા.

વાજયેપી દેશના વડાપ્રધાન હતા અને રાજ્યમાં ભાજપની સરકાર હતી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. હિન્દુત્વની વિચારધારાના હિમાયતી વાજપેયી મુસ્લિમોની સ્થિતિ જોઈ દ્વવી ઉઠ્યા હતા. તેમણે અમદાવાદના શાહે-આલમ વિસ્તારની એક રાહત છાવણીની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ રાજધર્મ નિભાવવો જોઈએ. દિલ્હી પરત જવા નિકળેલા વાજયેપીએ નક્કી કરી લીધું હતું કે જો રાજ્ય કોઈ પણ કોમની વ્યક્તિને રક્ષણ આપી શકે નહીં તો તેવા શાસનનો કોઈ અર્થ નથી, તેથી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપવું પડશે.

દિલ્હી જઈ વાજયેપીએ ભાજપની ટોચની નેતાગીરીને જાણ કરી હતી કે ગુજરાતમાં જે કંઈ બન્યું છે અને ત્યાંની પ્રજા જે રીતે ભાજપ સરકાર ઉપર આક્ષેપ મુકી રહી છે તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહે તે વાજબી નથી. વાજયેપી આ પ્રકારનો આકરો નિર્ણય લેશે તેની કોઈને કલ્પના ન્હોતી. જો કે વાજયેપીના આ નિર્ણયની જાણ થતાં વાજયેપીના સિનિયર સાથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેમને મળવા દોડી આવ્યા હતા અને તેમણે નરેન્દ્ર મોદીનું રાજીનામુ લેવા જેવા આકરા નિર્ણય ન લેવા માટે તેમને ખુબ વિનંતી કરી હતી. આખરે વાજયેપી માની તો ગયા પણ તેઓ સમગ્ર બાબતથી ખુબ દુઃખી થયા હતા.