મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: જાફરાબાદ તાલુકાના વરાહ સ્વરૂપ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડીરાત્રે જાણીતી લોક ગાયિકા કિંજલ દવે પણ આહીર સમાજનો પહેરવેશ ધારણ કરી આવી પહોંચી હતી. તેણે આ કાર્યક્રમમાં લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કિંજલ દવે પર રૂપિયાનો વરસાદ વરસાવી દીધો હતો. જો કે લોકોની મેદની ખૂબ વધી જતાં કિંજલે પોતાનો કાર્યક્રમ ટૂંકાવવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડો વખત પૂર્વે જ આબુ ખાતે કિંજલ દવેના કાર્યક્રમમાં કેટલાક શખ્સોએ અશોભનીય વર્તન કર્યું હોવાની ઘટના બની હતી. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાફરાબાદ અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ કિંજલ દવેને આ અલગ જ પહેરવેશમાં નિહાળવા ચાહકો ખૂબ મોટી સંખ્યામાં પહોંચી જતા કાર્યક્રમ તેના સમય કરતાં વહેલો પુરો કરી દેવામાં આવ્યો હતો.