મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે 11 વર્ષ બાદ આજે સોમવારે ચુકાદો આવ્યો. જેમાં આ કેસમાં વિશેષ NIA અદાલતે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દીધા. ચુકાદાના સંભળાવતા સમયે આરોપી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સ્વામી અસિમાનંદ આ કેસમાં મુખ્ય આરોપીઓમાં હતા.

18 મે 2007ના રોજ થયેલ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ થયેલ દેખાવો દરમિયાન થયેલ પોલીસ ફાયરિંગમાં પણ કેટલાક લોકોના મોત થયા હતા. આ કેસમાં દસ આરોપીઓમાંથી આઠ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફે નબા કુમાર સરકાર, ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભારત ભાઇ અને રાજેન્દ્ર ચૌધરીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. આ તમામની મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર કેસ ચાલી રહ્યો હતો.

વર્ષ 2007માં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ પોલીસ બાદ સીબીઆઇને ટ્રાંસફર કરવામાં આવી હતી. ત્યાર બાદ 2011માં આ કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 160 સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા જેમાંથી 54 સાક્ષીઓ ફરી ગયા હતા. આ કેસમાં મુખ્ય બે આરોપી સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજુ પણ ફરાર છે.