મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : એક તરફ ચાઇનીઝ દોરીના વિરોધ વચ્ચે પતંગ રસિયાઓ તેમની તુક્કલો ઉચે આકાશમાં ચડાવવા માટે થનગની રહ્યા છે તો બીજી તરફ ક્યાંક દોરીથી ગળા કપાવવાના બનાવો ઉતરાયણ પર્વની દિવસે દિવસે વધી રહેલી જોખમી પરિસ્થિતી ચિંતાનો વિષય બની રહી છે.

એવામાં પતંગની દુકાનોમાં આગ લાગવાની ઘટનાએ એક વધુ પ્રશ્ન ઉભો કરી દીધો છે. અમદાવાદના કાંકરિયા ફૂટબોલ મેદાન ખાતે આવેલી પતંગની દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા પતંગની ખરીદી કરવા નીકળેલા પતંગ રસિયાઓમાં ભય અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે એક દુકાનમાં આગ લાગ્યા બાદ આગ વધુ ફેલાઈ આશરે પાંચ દુકાનોમાં આગે પોતાનું રુદ્ર બતાવી તમામ પાંચ દુકાનોને ભસ્મીભૂત કરી નાખી હતી. જોકે, આગ લાગવાનું કોઈ ઠોસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. એટલું જ નહિ આગના કારણે કોઈ જાનહાની થયાના સમાચાર પણ ન હોઈ તંત્રને હાશકારો થયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવીને પરિસ્થિતિને વધુ વિકટ બનતા અટકાવી દીધી છે. એક વાત ચોક્કસ છે કે તંત્રની બેદરકારીને ભલે ચર્ચા થાય પરંતુ ફાયર બ્રિગેડ તેની કામગીરી એટલી જ સતર્કતાથી નિભાવે છે જે શહેરની જનતા માટે ખૂબ જ સહાયક બની રહે છે.

આજે આપણા દેશમાં જ્યારે પ્રત્યેક પર્વ મહોત્સવની જેમ ઉજવાઈ રહ્યું છે તેવા સમયે થોડીક સાવચેતી પ્રજાએ અને વેપારીઓએ પણ રાખવી જરૂરી છે જેથી પ્રત્યેક વખતે તંત્રની બેદરકારીના કારણો આપી પોતાની જવાબદારીમાંથી છટકવાના બહાના નાં શોધવા પડે. શોખ જ્યાં પોતાના હોય ત્યાં ઠીકરા પ્રશાસનને માથે ફોડવા પણ બેજવાબદારીનો જ એક ભાગ છે.