મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: લોકસભાની ચૂંટણી  વખતે 'ફેકુજી હવે દિલ્હીમાં' અને 'ચોકીદાર ઉપર ચર્ચા' નામના બે પુસ્તકોનું પ્રકાશન કરનાર કોંગ્રેસનના સમર્થક એવા જયેશ શાહ સામે ચૂંટણી પંચ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જયેશ શાહ સામે આ પ્રકાશનને કારણે કુલ બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક ફરિયાદ એક નાગરિક દ્વારા નોંધાવવામાં આવી હતી જ્યારે એક ફરિયાદ ભાજપના લીગલ સેલના પરીન્દુ ભગત દ્વારા નોંધાવવામાં આવી હતી.

છેલ્લાં લાબાં સમયથી નરેન્દ્ર મોદી ઉપર વ્યંગાત્મક પુસ્તકોનું પ્રકાશન કરનાર જયેશ શાહ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન 'ફેકુજી હવે દિલ્હીમાં' અને  'ચોકીદાર ઉપર ચર્ચા' નામના બે પુસ્તકો પ્રકાશીત કર્યા હતા. આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીનાં નિવેદનો સાથે વ્યંગાત્મક ચિત્રો હતા. આ મામલે ચૂંટણી પંચને એક નાગરિકે આ પુસ્તકના ચિત્રો વોટસઅપ કરી આચારસંહિતાનો ભંગ થાય છે તેવી ફરિયાદ કરી હતી. આ મામલે પંચ દ્વારા અમદાવાદ કલેક્ટરને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે અમદાવાદ મામલદાર દ્વારા તપાસ પણ થઈ હતી.

આ પ્રકારની એકબીજી ફરિયાદ પણ ભાજપના નેતા પરીન્દુ ભગત દ્વારા કરવામાં આવી હતી. જે અંગે પણ તપાસ થઈ હતી. જો કે ચૂંટણી પંચે પરીન્દુ ભગતની ફરિયાદ ઉપર કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ નાગરિકે વોટસઅપ મારફતે મોકલેલી ફરિયાદના અહેવાલમાં આચારસંહિતાનો ભંગ થાય છે તેવી ફરિયાદ મામલતદાર દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાગળો કોર્ટને મોકલી આપ્યા છે.

આ કેસમાં જયેશ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે તેઓ હવે કોગ્રેસમાં સક્રિય નથી. તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પણ દેખાતા નથી. તેઓ કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા ત્યારે તેમના ખાસ હતા પણ ક્રમશ: તેઓ કોંગ્રેસથી દુર થતાં ગયા, વ્યવસાયે વેપારી હોવા છતાં તેઓ માનસીક રીતે કોંગ્રેસી હોવાને કારણે છેલ્લાં કેટલાંય સમયથી તેઓ સ્વખર્ચે નરેન્દ્ર મોદી વિરૂધ્ધ વ્યક્તિગત હેસીયતમાં અભિયાન ચલાવે છે.  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી વડાપ્રધાન થયા ત્યાં સુધી  તેમણે કરેલા દાવાઓ અને હકિકત તેમના પુસ્તકમાં હોય છે. તેમના પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોય છે. જો કે તેમની આ લડાઈને ગુજરાત કોંગ્રેસ સમર્થન કરતું નથી તે વાસ્તવિકતા છે.