મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર ગત મોડી રાત્રે અંદાજીત દોઢેક વાગ્યાના સુમારે એક બાઈક પર યુવક અને યુવતી જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી યુવતીનું મોત થયું હતું. જોકે ચોંકાવનારી વાત એ હતી કે, બાઈક ચાલક યુવક પોતાની સાથેની યુવતીની પરવાહ કર્યા વગર જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં ટ્રક ચાલકની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એસ.જી હાઈવે પર રાત્રીના સમયે યુવક-યુવતી બાઈક પર જઈ રહ્યાં હતા. આ દરમ્યાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવક-યુવતી નીચે પટકાયા હતા. જેને પગલે યુવતીનું માથું ટ્રક નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલે ગંભીર હતો કે યુવતીનું માથું આખું ટ્રક નીચે ચગદાઈ ગયું હતું અને ટૂકડા થઈ ગયા હતા. લોકો ભેગા થઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધો હતો અને એસજી- 1 ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. એસજી 1 પોલીસના જણાવ્યા મુજબ યુવતીની ઓળખ થઈ શકી નથી. અકસ્માત બાદ બાઈક ચાલક યુવક યુવતીને મુકી ફરાર થઈ ગયો હતો.