મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનારા અને બાળકીનું ગળું દબાવી હત્યા કરનારાને પાંચમા દિવસે પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. અધમ કૃત્ય કરનારા અનિલ યાદવને ક્રાઇમ બ્રાંચ, લિંબાયત પોલીસની ટીમે બિહાર પોલીસની મદદથી બિહારના ધનસૂરી ગામેથી દબોચી લીધો હતો.

ગયા રવિવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળામાં ગોડાદરા વિસ્તારમાંથી સાડા ત્રણ વર્ષની બાળકી ઘર નજીક રમતી રમતી ગુમ થઈ ગઈ હતી. જેની બાજી દિવસે એટલે કે સોમવારે સાંજે ચાર વાગ્યે હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવ (ઉ.વ.22)એ બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી.

બીજી બાજુ મદદનીશ પોલીસ કમિશનર વિનય શુક્લ અને તેમની ટીમે સીસી કેમેરા ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે બાળકી સોસાયટીની બહાર નીકળી જ નથી. જેથી સોસાયટીના ઘરે ઘરે પોલીસે તપાસ કરી હતી. ક્યાંયથી ભાળ ન મળતાં આખરે સોમવારે સાંજે ચાર વાગ્યે બંધ મકાનનું તાળું તોડી તેમાં તપાસ કરી તો તેમાંથી બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

બાળકીની હત્યા કરનારો અનિલ યાદવ ગુનો કર્યા બાદ બિહાર તરફ રવાના થયો હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી. એ સાથે જ ક્રાઇમ બ્રાંચના એક અને લિંબાયત પોલીસના એક મળી કુલ બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને છ પોલીસ કર્મચારી બિહાર તરફ રવાના થઈ ચૂકી હતી. બિહાર પોલીસના સહકારથી બિહારના ધનસૂરી ખાતેથી શુક્રવારે બપોરે બે વાગ્યે પકડાયો હતો.

આ બાબતે પોલીસ કમિશનર સતીશ શર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આરોપી પકડાઇ ગયો છે. તેને સુરત લાવ્યા બાદ તેની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવામાં આવશે.

આ રીતે આરોપી સુધી પોલીસ

પોલીસે આરોપી અનિલ યાદવનો મોબાઇલ નંબર મેળવી લીધા બાદ તેના આધારે તેના વતનના દસ લોકો સુધી પોલીસ પહોંચી હતી. જેની સાથે અનિલ યાદવ ફોન પર સંપર્કમાં હતો. એ દસેદસની પોલીસે અલગ અલગ પૂછપરછ કરી. જેમાંથી એક વ્યક્તિએ પોતાના ઘરમાં અનિલ યાદવ છૂપાયો હોવાની કબૂલાત કરી હતી. એ સાથે જ પોલીસે ત્યાં પહોંચી જઈ અનિલને દબોચી લીધો હતો.