મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી તો થઈ રહી છે પણ વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરતા પૂર્વે સત્તાધીશો અને વહીવટી તંત્રએ સાત કોઠા વીંધવા પડશે. અલગઅલગ સાત મુદ્દા એવા છે જેનો ઉકેલ લાવ્યા સિવાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનું કપરું છે.

જેમાં  ઇમિગ્રેશન, કસ્ટમ, 24 કલાક ઓપરેશન, બિલ્ડિંગમાં ફ્લોર ઊભો કરવો, સ્ટાફ નિમણૂક, બેન્કિંગ ફૅસિલિટી, કરન્સી એક્સચેન્જ, ફ્લાઇટ શિડ્યુલ સ્લોટ એપ્રુવલ વગેરે મંથર ગતિએ આગળ વધી રહી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન માટે સજ્જ કરવાની વાત  10મી ઓગસ્ટ મળેલી સ્ટેક હોલ્ડરની મિટિંગમાં કરવામાં આવી હતી.

શારજાહ-સુરત-શારજાહ ફ્લાઇટ શરુ કરવા જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત એરપોર્ટને મોકલવામાં આવેલા ફ્લાઇટ સ્લોટ શિડ્યુલ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે ફેર વિચાર કરવા જણાવ્યું હતું અને રાત્રે સાડા બારથી સવારે 5 વાગ્યા વચ્ચેના ટાઇમિંગ મોકલવા એર ઇન્ડિયાને જણાવવામાં આવ્યું હતું જેને પગલે એર ઇન્ડિયાએ નવા સ્લોટ મોકલ્યા છે જે મુજબ શારજાહથી રાત્રે 8:15 વાગ્યે ટેકઓફ અને 12:45 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ કરશે અને મધ્યરાત્રિએ 1:45 વાગ્યે સુરત એરપોર્ટથી ઉડાન ભરી મધરાત્રે 3:15 વાગ્યે શારજાહ લેન્ડ કરશે આ સ્લોટને મંજૂરી બાકી છે.

સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન સુવિધા ઊભી કરવા માટે રાજ્ય પોલીસના એક બેચની ટ્રેનિંગ હાલ મુંબઈમાં ચાલી રહી છે. આ બેચની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બીજા બેચના પોલીસ કર્મચારીઓ ટ્રેનિંગ લેશે. હાલ માત્ર 15 કર્મચારીઓ ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.

એરપોર્ટ પર બેન્કિંગ સુવિધા ઊભી કરવી અનિવાર્ય હોય છે જેનો હાલ સુરત એરપોર્ટ પર અભાવ છે. મુસાફરોને સુવિધા આપ્યા વગર આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવી મુશ્કેલ છે. BOBએ એરપોર્ટ પર સુવિધા શરૂ કરવા તૈયારી બતાવી છે જેના માટે જગ્યા ફાળવવા સહિતના કામ પાઇપલાઇનમાં છે.

કસ્ટમ માટે આપવામાં આવેલી જગ્યાથી ડેપ્યુટી કમિ. ઓફ કસ્ટમને સંતોષ નથી એમને સ્પષ્ટ કર્યું છે કે સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ મુજબ સુરત એરપોર્ટ પર ઓછી જગ્યા પ્રોવાઇડ કરવામાં આવી છે પણ હાલ પૂરતું અમે ચલાવી લઈશું કસ્ટમ માટે 8 કેબિન, 1 સ્ટોરરૂમની જરૂર છે જે ઊભા કરાઈ રહ્યા છે.

ટર્મિનલ બિલ્ડિંગમાં ફ્લોર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દિવસ દરમિયાન આ કામ ડોમેસ્ટિક ફ્લાઇટની અવરજવરને લીધે શક્ય ન હોવાથી રાત્રિ દરમિયાન કરાશે. કામ મંથર ગતિએ ચાલતું રહેશે તો રાત્રે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવા સામે પણ પ્રશ્ન ઊભો થઇ શકે છે.

24 કલાક ઓપરેશનની મંજૂરી તો મળી ગઈ છે પણ સુરત એરપોર્ટને રાત્રિ ઓપરેશનનો કોઈ અનુભવ નથી. હાલ 2 શિફ્ટમાં કામ કરવામાં આવી રહ્યું છે. જો ત્રીજી શિફ્ટ શરુ કરવામાં આવે તો સ્ટાફની નિમણૂક કરવી આવશ્યક છે જે નિમણૂક હજી સુધી કરવામાં આવી નથી. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જની સુવિધા વધુ આવશ્યક હોય છે. હાલમાં સુરત એરપોર્ટ ઉપર આ સુવિધા ઊભી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે કરન્સી એક્સચેન્જ માટે માત્ર એક કેબિન પૂરતી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.