મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આગામી પાંચ અઠવાડિયા માટે ઝૂંબેશરૂપે શરૂ કરાયેલા આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનમાં  ૯ મહિનાથી લઇને ૧પ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે.

મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ ગાંધીનગરમાં સેકટર-૭ની સરકારી માધ્યમિક શાળાથી કરાવ્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઓરીનો ભોગ રાજ્યનું કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગવા સાથે જન્મજાત ખોડખાપણવાળું સંતાન અવતરે નહીં એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧લી મે, ૨૦૧૮થી શરૂ કર્યું છે. હવે એને ઝૂંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુકત ગુજરાત માટે સંકલ્પબદ્ધ છે.

રાજ્યભરમાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાન આજથી ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાયું છે. સમગ્ર વિશ્વમાં રૂબેલાથી ૪૦ હજાર જેટલા બાળકોના અકાળે મૃત્યુ થાય છે. ત્યારે ર૦ર૦ સુધીમાં સમગ્ર દેશમાં ઓરીનું નિવારણ સાથે રૂબેલા ઉપર નિયંત્રણ લાવવાના સરકારના ધ્યેયમાં અત્યાર સુધીમાં દેશના ર૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇન્જેકટેબલ રસિકરણ અભિયાનમાં ૯પ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. જ્યારે ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧પ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસિકરણમાં આવરી લેવાશે.

અભિયાન ક્યાં હાથ ધરાશે

આ અભિયાન અન્વયે પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ-૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે. ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે. તેમાં એકપણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું કોઈ રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.

રૂ. 300 કરોડ ખર્ચાયા

ગુજરાતમાં આ ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનને વ્યાપક સ્વરૂપે સફળતા અપાવવા કુલ રૂપિયા ૩૦૦ કરોડ જેટલો ખર્ચ થનાર છે. અભિયાન માટે આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે. આ ઉપરાંત ૪૦ હજાર આશાવર્કર બહેનો અને પ૦ હજાર આંગણવાડી કાર્યકર બહેનો આ ઝૂંબેશમાં સેવા આપશે.